ચોરી અટકી પણ અકસ્માતનો ભય વધ્યો!
ગટરના ઢાંકણાં ચોરીનું કૌભાંડ અટકાવવા પાલિકાએ લીધેલો નિર્ણય જ હવે અકસ્માતનું કારણ, તૂટેલા ઢાંકણાં તાત્કાલિક બદલવાની લોકમાગ
વડોદરા શહેરમાં ગટરના ઢાંકણાની ચોરીનું એક કૌભાંડ ચાલતું હતું, જેના પરિણામે પાલિકા તંત્રને શહેરભરમાં અકસ્માતો નિવારવા માટે એક મહત્વનો અને મોંઘો નિર્ણય લેવાની ફરજ પડી હતી. અગાઉ લોખંડમાંથી બનાવેલા મજબૂત ઢાંકણા ચોરાઈ જતા હોવાથી, હવે પાલિકા દ્વારા ગટર પર સિમેન્ટના ઢાંકણા લગાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં લોખંડના ઢાંકણા કાઢીને સિમેન્ટના ઢાંકણા લગાવી દેવામાં આવ્યા છે.
જોકે, આ નિર્ણયથી એક નવી અને ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવાયેલા આ સિમેન્ટના ઢાંકણા હલકી કક્ષાના હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ભારે વાહનો પસાર થતાં આ ઢાંકણા વારંવાર તૂટી જાય છે. રસ્તા વચ્ચે ગટર પર તૂટેલું ઢાંકણ ખુલ્લું પડી રહેવાથી કોઈ પણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી જોખમાઈ રહી છે.
આવી જ એક ગંભીર ઘટના કારેલીબાગ વિસ્તારમાં ભૂતડી ઝાપા ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પંપ પાસે જોવા મળી છે. જાહેર રોડ પર રસ્તાની વચ્ચોવચથી પસાર થતી ગટર લાઇન પર નંખાયેલું સિમેન્ટનું ઢાંકણ ભારે વાહનોના ભારને કારણે સંપૂર્ણપણે તૂટી ગયું છે.
આ મહત્ત્વપૂર્ણ માર્ગ પર રસ્તાની બરાબર વચ્ચે ગટર ખુલ્લી પડી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે કે વરસાદના દિવસોમાં આ ખુલ્લી ગટર કોઈ પણ વાહન કે વ્યક્તિને મોટી દુર્ઘટનાનો ભોગ બનાવી શકે છે.
સ્થાનિક નાગરિકોની તંત્ર પાસે તાત્કાલિક માગ છે કે, આ જોખમી તૂટેલા ઢાંકણાના સ્થાને સત્વરે મજબૂત અને ગુણવત્તાયુક્ત ઢાંકણા લગાડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો દ્વારા થયેલા હલકી ગુણવત્તાના કામ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે.