ચિતા ખાલી હોવા છતાં છાણા મુકીને રોકી દેવામાં આવી
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરાના ખાસવાડી સ્મશાનનું હાલ નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામ લાંબુ ચાલતું હોવાથી અંતિમક્રિયા માટે આવતા મૃતકોના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે ખાસવાડી સ્મશાનમાં ચિતા માટે રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિવાદ સામે આવ્યો છે. સમાજના અગ્રણીએ આરોપ લગાવ્યો છે કે, સ્મશાનમાં ચિતા માટે રૂ. 1,200 ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી હોવા છતાં છાણા મુકીને તેનો રોકી દેવામાં આવે છે.

ખાસવાડી સ્મશાનનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ ચાલી રહ્યું છે. આ કાર્ય લાંબુ ચાલનાર હોવાથી અહિંયા અંતિમ ક્રિયા માટે આવતા મૃતકોના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે મૃતદેહોની કતારો લાગતી હોવાનું પણ સામે આવ્યું હતું. તે બાદ સ્મશાનના સંચાલનમાં નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં ખાલી ચિતા હોવા છતાં બીજા પર મૃતદેહ મુકવાનું કહેવામાં આવતું હોવાનું જણાઇ રહ્યું છે. આ અંગે સમાજના અગ્રણીએ આરોપ મુકતા કહ્યું કે, સ્મશાનમાં ગેરવ્યાજબી રીતે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. આ લોકો સામે પાલિકા દ્વારા પગલાં લેવા જોઇએ. સ્મશાનમાં રૂ. 1,200 માંગવામાં આવી રહ્યા છે. જો પગલાં લેવામાં નહીં આવે તો આ નવી પ્રથા શરૂ થઇ શકે છે. સ્મશાનમાં ચિતા ખાલી હોય ત્યાં છાણા પાથરી દેવામાં આવે છે. અને જે રૂપિયા આપે તેને જ ચિતા આપવામાં આવે છે. આ ખોટું છે.