( પ્રતિનિધી )વડોદરા,તા.30
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર રહેણાંક વિસ્તારોમાંથી મગરો અને સરીસૃપ જીવો આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ બે 10-10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગુરુવારે રાત્રે 11 કલાકે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર રાહદારીનો ફોન આવ્યો હતો કે, ખાસવાડી સ્મશાનમાં હાલમાં કાર્યરત ચિતાઓ પાસે મગર આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકર્તાઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા આશરે 10 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને ત્રણ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે સવારે ખાસવાડી સ્મશાનમાં લાકડાની સેવા આપતા મહારાજે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને ફોન કરીને જાણ કરી હતી કે, વધુ એક મગર આવી ગયો છે. જેથી સવારે સંસ્થાના વોલીએન્ટર ખાસવાડી સ્મશાન ખાતે દોડી ગયા હતા. તપાસ કરતા આ મગર પણ 10 ફૂટનો નજરે પડ્યો હતો. જેને કલાકોની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.