વડોદરા: શહેરમાં એક તરફ સ્માર્ટ સિટી તરીકેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કેટલાંક વિસ્તારોમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શહેરના વોર્ડ નંબર 13માં આવેલ ખાડિયા પોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક લોકો જણાવે છે કે અહીં પાણીની લાઈનો તૂટી ગઈ છે, જેને કારણે પાઇપલાઇન દ્વારા પાણી મળતું બંધ થઈ ગયું છે. ઇજારદાર દ્વારા સમયસર સમારકામ ન કરાતા હાલત બગડી છે. પાણી જેવી મહત્વપૂર્ણ જરૂરિયાત માટે લોકો હવે ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. ઉનાળાની કપરી ઋતુમાં જ્યાં પાણીની જરૂરિયાત વધારે હોય છે, ત્યારે આવી સ્થિતિએ રહેવાસીઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિવારના લોકો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે રોજિંદા કામકાજમાં અવરોધ ઉભો થયો છે.
વહીવટીતંત્ર સામે લોકોને ભારે નારાજગી છે. તેઓ કહે છે કે આપણે વેરો ભરીએ છીએ, પણ એના બદલે પાયાની જરૂરિયાત પણ પુરી થતી નથી. વિસ્તારના નગરસેવક દ્વારા પણ પાલિકા તંત્ર સામે આક્ષેપ કર્યો છે અને વહીવટીતંત્રને પીવાના પાણીની વ્યવસ્થા તરત સુધારવા માંગણી કરી છે. આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલી વધશે.