વડોદરામા માથાભારે અને ખંડણીખોર ડેવિડ કહારને દોરડાથી બાંધી પોલીસે સરઘસ કાઢ્યું, વેપારીઓની જાહેરમાં હાથ જોડી માફી પણ મંગાવી
વડોદરા તારીખ 17
વડોદરા શહેર પોલીસ દ્વારા ધાક ધમકી, ખંડણી સહિતના ગુનાને અંજામ આપી આતંક મચાવનાર તત્વો સામે
પોલીસ તંત્ર દ્વારા સાતમા સખત કાર્યવાહી કરવાનુ શરું કરાયુ છે. ત્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ખંડણીના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી વોન્ટેડ માથાભારે આરોપી ડેવિડ કહારને પોલીસે ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ પોલીસે તેને દોરડા વડે બાંધીને તેનો જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ અને આરોપી ડેવિડ કહાર પાસે બે હાથ જોડાવી ત્યાં ધંધો કરતા વેપારીઓની માફી પણ મંગાવી હતી.
વડોદરા શહેરના આજવા રોડ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાં ધાક ધમકી, ખાંડણી માંગવી, માર મારવો સહિતના વિવિધ ગુનાને અંજામ આપીને આતંક મચાવનાર આરોપી ડેવિડ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આરોપી ડેવિડ કહાર ભાગતો ફરતો હતો. પરંતુ આ માથાભારે આરોપી ને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને સાથે રાખીને જુના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે તેને જે વિસ્તારોમાં ધંધો કરતા વેપારીઓ ને ધમકી આપી તેમની પાસે ખંડણી માંગતો હતો તે વિસ્તારોમાં લઈ ગઈ હતી જ્યાં તે વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતો હતો. પોલીસની હાજરીમાં ડેવિડ કહાર પાસે જાહેરમાં હાથ જોડીને આ વેપારીઓ સહિતના લોકો પાસે માફી પણ મંગાવી હતી. આરોપી ડેવિડ કહાર સામે ખંડણી, મારામારી, ધાક ધમકી સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હતા અને ડેવિડ કહારે વડોદરાની પ્રજાની સામે જાહેરમાં માફી માંગતા લોકોનાં ટોળાં આરોપીને જોવા માટે જામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ ડેવિડ કહારે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક યુવક અને તેની માતા સહિત ત્રણ જણને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ખોટી ફરિયાદ કરી હોવાની અદાવતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.