Vadodara

વડોદરા : ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાનું કહી પોરની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટને ઠગોએ રૂ.18.90 લાખનો ચૂનો ચોપડયો

વડોદરા તા.12

વડોદરા જિલ્લાના પોર ખાતે આવેલી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ પાસેથી ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાના બહાને ભેજાબાજોએ 28.71 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વિશ્વાસ કેળવવા માટે માત્ર 9.81 લાખ જ તેમને પરત કરી આપ્યા હતા જ્યારે બાકીના 18.90 લાખ રૂપિયા આજ સુધી પરત નહીં આપીને ઠગો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી આધેડે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેર નજીક બિલ ગામ પાસે આવેલી હેપ્પી હોમ સોસાયટીમાં રહેતા સમીર અમૃતલાલ બેકરીવાલા(ઉં.વ 50) પોર ખાતે આવેલી એન્ડ્રોઇડ સર્વિસ નામની કંપનીમાં વાઇસ પ્રેસીડેંટ તરીકે નોકરી કરે છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ
તેઓ ઘરે હાજર હતા. ત્યારે તેમના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને તેમા શેર માર્કેટ લગતી ટિપ્સ આપવામા આવતી હતી. આ નંબર પરથી સતત બે મહીના સુધી તેઓના ક્લાઈન્ટને થયેલા પ્રોફીટના ફોટા મોકલતા હતા અને કહ્યું હતું કે તમે આ વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જાવ તમને ક્રીપ્ટોમા ઓછું રોકાણ કરી સારો નફો મળે તેવી ટીપ્સ આપવામાં આવશે. જેથી આધેડે તેઓને ઓકે લખતા તેમણે ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અલગ અલગ લોકો તેમને થયેલા પ્રોફીટના સ્ક્રિનશોર્ટ મુકતા હતા અને તેમા આશરે 14 દિવસ સુધી તેઓના મેસેજ અને પ્રોફીટના સ્ક્રીનશોટ જોતા હોય તેઓ પણ લાલચમાં આવી ગયા હતા અને ગ્રુપમા ક્રિપ્ટોમા ટ્રેડીંગ કરવુ છે તેના માટે મેસેજ કર્યો હતો. ત્યારબાદ તેઓના વોટસએપ ઉપરથી તેઓને એક લિંક મોકલવામા આવી હતી અને રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન અને પાસવર્ડ પણ આપવામા આવ્યા હતા. તેમના પ્લેટફોર્મ ઉપરથી ટ્રેડિંગ કરીને સારો પ્રોફીટ કરી શકો છો અને જેમ જેમ ટ્રેડીંગ કરતા જશો તેમ તેમ તમને પ્રોફીટ વધતો રહેશે તેમ સમજાવી લાલચ આપી હતી. જેથી આધેડ તેમના ઝાંસામાં ફસાઈ ગયા હતા અને મેનેજરના જણાવ્યા મુજબ આપેલા બેન્ક એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવા રૂ.28.71 લાખ ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં તેમનો વિશ્વાસમાં કેળવવા માટે બેંક ખાતામાંથી રૂ.9.81 લાખ ઉપાડી આપ્યા હતા, જ્યારે બાકી રૂ.18.90 લાખ પરત અત્યાર સુધી તેમને પરત નહીં આપીને તેમની સાથે છેતરપીંડી આચરવામા આવી હતી. જેથી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ભેજાબાજોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top