Vadodara

વડોદરા : કૌભાંડમાં મંડળી નહિ,બરોડા ડેરીનું નિયામક મંડળ, વહીવટકર્તા અને અધિકારીઓ પણ સામેલ : કેતન ઈનામદારનો આક્ષેપ

બરોડા ડેરીના એમડીના રાજીનામાનો વિવાદ ગહેરાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

બરોડા ડેરીના એમ.ડીના રાજીનામાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી મેદાનમાં આવ્યા છે. તેઓએ કૌભાંડમાં મોટા માથાના નામ ખુલશે અને એમડી અજય જોશીનું રાજીનામુ સાબિત કરે છે કે ડેરીમાં દૂધ વિતરણમાં ચુકવાયેલા લાખોના નાણાંનું એક કૌભાંડ જ હતું તેમ જણાવ્યું હતું.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, બરોડા ડેરીના એમડી અજય જોષી એ જે રાજીનામું આપ્યું છે એ રાજીનામું આપવાનું કારણ સૌને ખબર જ છે . ડેરીની અંદર થતી ગેરરીતિઓ ધીરે ધીરે બહાર આવી રહી છે. ડેરીના એમડીએ તપાસ આપી હતી. તપાસનો દસ દિવસનો સમય આપ્યો હતો. એ તપાસમાં શું આવ્યું, એ હજી તેમણે બહાર પાડ્યું નથી. એ પહેલા તો એમણે રાજીનામું આપ્યું અને ડેરીના નિયામકો, નિયામક મંડળ દ્વારા એવું કહેવામાં આવે છે કે, આ તો અગાઉથી જ રાજીનામું આપેલું હતું. બાદમા અમે ફેડરેશન સાથે ચર્ચા કરીને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે, આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં, ફેડરેશને રાજીનામું માંગ્યુ એટલે રાજીનામું આપવું પડ્યું છે અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને જે તપાસ સોંપી છે એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર આવે છે. મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી એ મંડળી એકલા રીતે નથી કરી રહી. સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને તેની ઉપરના વહીવટકર્તા, અધિકારીઓ પણ આમાં સામેલ છે. આવનારા દિવસોની અંદર જિલ્લા રજિસ્ટ્રારની તપાસના તથ્યો પણ બહાર આવશે. બરોડા ડેરીએ આપેલી તપાસમાં મને ભરોસો નથી, પણ જિલ્લા રજીસ્ટર ની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે. એવી રીતે ડીએસપીએ જે તપાસ આપી છે એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુઓ બહાર આવશે. આ એક મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાંથી જ ફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુઓમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો ક્યાં અડશે એ ખ્યાલ નથી, પણ મને ચોક્કસ ખબર છે કે આની અંદર મોટા માથાઓની પણ સંડોવણી છે.

Most Popular

To Top