ન્યાયાધીશે કહ્યું: “પ્રથમદર્શનીય કેસ” 187 વિદેશી નાગરિકોને ચૂનો ચોપડનારા જેલમાં જ રહેશે
વડોદરા: વડોદરાના ચાપડ રોડ પર એક બંગલામાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવીને 187થી વધુ વિદેશી નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના કેસમાં સાઇબર ક્રાઇમ યુનિટ દ્વારા ઝડપાયેલા પાંચેય આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે. હાલ જેલમાં રહેલા આ તમામ આરોપીઓએ જામીન માટે કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી દીધી છે. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપીઓ સામે પ્રથમદર્શનીય કેસ જણાઈ રહ્યો છે.
સાયબર ક્રાઇમ યુનિટે ચોક્કસ બાતમીના આધારે ચાપડ રોડ પર આવેલા વિન્ટેજ બંગ્લોઝમાં નવેમ્બર 20ના રોજ રેડ પાડી હતી અને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓના લેપટોપ અને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં યુએસના નંબરો સાથે સંકળાયેલા ‘એ કે-47 બેકઅપ’, ‘મિસ્ટર વર્ક’, ‘સુપર સેલ્સમેન’ અને ‘અમ્મુ’ જેવા ગૃપ તથા ફાઈલોની વિગતો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ આરોપીઓ વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઠગાઈ કરતા હતા.
પોલીસે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પાંચ આરોપીઓની ધરપકડ બાદ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીઓએ કુલ 187 જેટલા વિદેશી નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે ₹આશરે 6.90 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરાવી લીધા હતા.
તપાસમાં એ પણ ખુલવા પામ્યું હતું કે, આરોપીઓ આંગડિયા મારફતે નાણાંનો વ્યવહાર કરતા હતા. તેઓ વિદેશી નાગરિકોના ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ અને CVV નંબર મેળવી લઈને બનાવટી ડેબિટ કાર્ડ મારફતે આ સમગ્ર ઠગાઈ કરતા હતા.
આ કેસમાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા પાંચ આરોપીઓ રિતિક વિજયભાઈ કંસારા, હષલ પ્રદીપભાઈ શાહ, સ્નેહ મુકુંદભાઈ પટેલ, અંશ હિતેશભાઈ પંચાલ અને સ્વયંમ અરુણભાઈ રોહિતે વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી મૂકી હતી. જોકે, કેસની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.