પરશુરામ ગાર્ડનમાં કામ કરતા માળીઓની કલેક્ટર,મેયર, મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં :
મોંઘવારીના માર વચ્ચે 6 થી 7 હજાર વેતનમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા હાલાકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે મિલીભગત કરી કટકી કરવામાં માહેર કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ સ્થિત પરશુરામ ગાર્ડનની વર્ષોથી સાર સંભાળ કરનાર માળીઓને કોન્ટ્રાક્ટર દ્બારા નજીવું વેતન અપાતા હોવાના આક્ષેપ માળીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે 15 સોસાયટીના કોઓર્ડિનેટરે માળીઓના સમર્થનમાં આવી તેમના વેતન વધારી આપવા કોર્પોરેશન પાસે માંગણી કરી હતી.



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોનું રાજ જોવા મળ્યું છે. પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ચાલતા અનેક કામોમાં કર્મચારીઓનું શોષણ થાય છે. ત્યારે, વાઘોડિયા રોડ ઉપર આવેલ કોર્પોરેશનના પરશુરામ ગાર્ડનમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા માળીઓનું કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓને વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ માળીઓના વેતનમાં વધારો કરવામાં નહીં આવ્યો હોવાના માળી કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરશુરામ ગાર્ડનમાં મહિલા સહિતના ચાર કર્મચારીઓ ગાર્ડનનું કામ કરી ગાર્ડનને સુંદર રાખે છે તેમને મહિનામાં તેની પાછળ માત્ર છ થી સાત હજાર રૂપિયા વેતન આપવામાં આવે છે. આ અંગે રજૂઆતો કરીને થાકેલા કર્મચારીઓએ વેદના ઠાલવી હતી. ગાર્ડનમાં કામ કરતાં માળીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 15 વર્ષથી કોર્પોરેશન હસ્તકના ગાર્ડનમાં કામ કરીએ છીએ. અમારો પગાર પણ નથી વધારતા, નથી પીએફ આપવામાં આવતું. નથી પગાર પાવતી આપવામાં આવતી કે નથી બોનસ પણ આપવામાં આવતું. ખાલી કામ કરાવે છે છૂટક મજૂરી આપે છે. અમારું માત્ર શોષણ થાય છે. પહેલા 2500-3,000 રોકડા આપતા હતા. કોઈને 3400- 3500 એમ કરીને આપતા હતા. મને 7 હજાર આપે છે. ભાવિનભાઈ કરીને અમારા કોન્ટ્રાક્ટર છે. અમે આ મામલે માર્કેટમાં, કલેકટર કચેરીમાં, લેબર કોર્ટમાં પણ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. અધિકારીઓને પણ ઘણી વખત રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી.

