Vadodara

વડોદરા કોર્પોરેશન રખડતાં પશુઓની નોંધણી અને ટેગિંગ માટે વ્યાવસાયિક ટેક્નોલોજીનો સહારો લેશે

પશુ કલ્યાણ માટે ટેકનોલોજી : RFID અને ઈયર ટેગ માટે રૂ. 45 લાખની દરખાસ્ત


વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બા માટે નોંધપાત્ર એક નવી પહેલનો નિર્ણય લેવામાં આવનાર છે. રખડતાં પશુઓ તથા પશુમાલિકોના પશુઓની નોંધણી માટે RFID માઈક્રોચિપ, ઈયર ટેગ અને તેના માટેની એસેસરીઝ ખરીદ કરવા માટે રૂ. 45,04,087 ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે. આ ખરીદી BizOrbit Technologies નામની માન્ય કંપની પાસેથી કરવામાં આવશે, જે સામાન્ય બજાર દર કરતાં અંદાજે 18.53% વધુ કિંમતે કામ કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. તેમ છતાં, કંપનીની વિશ્વસનીયતા અને ટેક્નોલોજીકલ ઉપલબ્ધિ ધ્યાનમાં રાખતાં આ ખર્ચને ન્યાય્ય માનવામાં આવ્યો છે.

આ ખર્ચ ઢોરડબ્બા શાખા માટેના બજેટ હેડ હેઠળ જ નિભાવવામાં આવશે, જેમાં ઘાસચારો, એનિમલ ટેગિંગ, RFID સોલ્યુશન્સ, દવાઓ અને ખાસ કામગીરીઓ માટેના ખર્ચનો સમાવેશ થાય છે. જો બજેટમાં જોગવાઈ અપુરતી જણાશે, તો રીવાઈઝડ બજેટમાં જરૂરી જોગવાઈ કરીને ખર્ચ નિભાવવાની વ્યવસ્થા કરાશે. મહત્વની વાત એ છે કે, આ કામગીરી માત્ર હાલની જરૂરિયાત માટે નહિ પરંતુ ભવિષ્યમાં પાલિકા દ્વારા કરવાની અન્ય સંબંધિત કામગીરી માટે પણ ઉપયોગી સાબિત થશે. આવી કામગીરી માટે જરૂરી સામાન ખરીદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત પણ કરાઈ છે, જેથી તાત્કાલિક કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકી શકાય.

Most Popular

To Top