પુરમાં નાગરિકોને થયેલા ભારે નુકશાનના કારણે વિરોધ પક્ષ દ્વારા વેરા બીલોમાંથી મુક્તિ આપવા માંગણી કરવામાં આવી હતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી વર્ષ 2024-25 ના મિલકત વેરાના બીલો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજથી શહેરના દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માં બીલો આપવામાં આવશે. જેની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં તારીખ 10થી બિલો આપવાનું ચાલુ કરવામાં આવશે. જેની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી રહેશે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 માં તારીખ 16 થી બિલો અપાશે. જેની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી રાખવામાં આવી છે. સૌથી છેલ્લે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 માં તારીખ 21 થી વેરાના બિલો અપાશે. જેની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી રહેશે.
આ વખતે ભારે વરસાદ અને ત્રણ વખત પૂર આવવાના કારણે મિલકત વેરાના બિલો આપવાનું મોડું થયું છે. ભારે વરસાદ અને પૂરને લીધે શહેરીજનોને ખૂબ નુકસાન થવાના લીધે તાજેતરમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપીને વેરા બીલોમાંથી મુક્તિ આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. કોર્પોરેશન આશરે 8.50 લાખ વેરાના બિલો આપે છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે એડવાન્સ વેરા બિલ ભરવાની સ્કીમ પણ મૂકવામાં આવી હતી. જે બે મહિના ચાલી હતી. જે દરમિયાન કોર્પોરેશનને રૂ. 240 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક 742 કરોડનો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે કોર્પોરેશનના બજેટમાં 671 કરોડની આવકનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો છેલ્લી ઘડી સુધી જોર લગાવીને આ ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો હતો. વેરો નહીં ભરનાર સામે પણ સખતાઈ દાખવી હતી. કૂલ 64320 બીન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી હતી. રહેણાંક મિલકતોને 76252 વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. બાકી વેરાની વસુલાત કરવા 136245 મિલકતોને નોટીસ આપવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી મિલકત વેરાના બિલો આપવાનું શરૂ કરાયું
By
Posted on