વડોદરામાં શનિવારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે પોણા બે ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં વરસાદી પાણી સાથે એક યુવક ગરકાવ થઈ ગયો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરામાં આખા દિવસના બફારા બાદ સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સતત 3 કલાક સુધી વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
એવામાં વરસાદી પાણીના નિકાલ માટે મનપા તંત્ર દ્વારા ગટરોના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા હતા. આ સમયે શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે પાણીના ધસમસતા પ્રવાહ સાથે જ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. સદ્દનસીબે આસપાસના લોકોનું ધ્યાન જતાં તાત્કાલિક યુવકને બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો. જો કે મનપા તંત્રની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.