ચોરને મોર સાચવવા આપ્યો, મોર તો એવો ને એવો પણ પીછા ઉખાડી નાખ્યા, નીતિ નિયમો ગીરવે મૂકી દીધા : સામાજિક કાર્યકરો
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપો સાથે સામાજિક કાર્યકરોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. જ્યાં ગંભીર આક્ષેપ કરી મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરના સામાજિક કાર્ય કરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી ગંભીર આક્ષેપ કર્યા હતા. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ચોરને મોર સાચવવા આપ્યો મોર તો એવો ને એવો છે. પણ પીછા ઉખાડી નાખ્યા, નીતિ નિયમો ગીરવે મૂકી દીધા છે. અમારી પાસે તથ્ય અને પુરાવા છે જે આ જ કોર્પોરેશન માંથી મળેલા છે. આ લોકોને ભાયલી તળાવના બ્યુટીફીકેશન માટે તળાવ દેખાય છે. પણ લોકોની બીજી અન્ય સુવિધાઓ નથી દેખાતી કે વડોદરાની ઘણી બધી પ્રજા પાણી વગર છે જેને મળે છે એને ડોહળું પાણી મળે છે, સોસાયટી સોસાયટી નગર એ નગરે ખાડા છે. વડોદરા ખાડોદરા બનાવી દીધું છે અને એટલા હોશિયાર છે આ લોકો કે પહેલા રોડ બનાવવાનો પછી પાઇપલાઇન પાસ થાય પછી પાછો રોડ ખોદી નાખવાનો એટલે વડોદરાના સંસ્કારીજનોને આ લોકોએ મૂર્ખ સમજી રાખ્યા છે. સ્પષ્ટ કાગળ ઉપર દેખાઈ રહ્યું છે કે મારુતિ એન્ટરપ્રાઇઝીસ વાળો એક ટકા ભરે છે અને અગ્રવાલ કન્સ્ટ્રક્શન 10% કાપમાં ભરે છે અને પછી આ લોકોની અંદર માથાકૂટ થાય છે કે કમિશન સેટ થયું નહીં હોય, પછી સેટ થઈ જાય છે અને પછી બારોબાર ટ્રાન્સફર થઈ જાય છે. આ અગ્રવાલ કન્સ્ટ્રકશન એનું છે કે જેને કાયદેસર નોટિસ મળી છે. કોર્પોરેશનની એક્ટમાં ઉલ્લેખ કર્યો છે કે સીવીસી નો હોય એને બીજી વખત કામ આપવાનું નહીં, તો નીતિ નિયમો ગીરવે મુકાઈ ગયા છે અને બધું નક્કી બારોબાર મનુભાઈ ટાવરમાં થાય છે, 16 તારીખ પછી નવામાં નક્કી થશે. એટલે વડોદરા સેવાસદનને આ લોકોએ વડોદરા મેવાસદન કરી દીધું છે. ડોક્ટર શીતલ મિસ્ત્રી છે એ રબર સ્ટેમ્પ લાગે છે. તમે ગુજરાતના નામી સર્જન છો આજે અમે તમને પૂર્ણ બહુમતીથી એક સારો ડોક્ટર સ્થાયી સમિતિ ચેરમેન પદે બેસે તો તમને આ ખબર નથી પડતી, આ રૂપિયા કોના છે જે મન ફાવે તેમ પાસ કરો છો. તળાવ દેખાય છે, મોટા મોટા બ્રિજો દેખાય છે , તમને સ્મશાન ન દેખાયા?. વડોદરાનું એક પણ સ્મશાન સારું બતાવો. ઘરે ઘરે ગેસ પાઇપલાઇન પહોંચી ગઈ છે. આજે પણ સ્મશાનમાં ગેસ ચિતા નથી ચાલતી. કેમકે બીલ પાસ કરવા લાકડાના કરોડોના કોભાંડ કરવા છે. જ્યાં જુઓ ત્યાં કૌભાંડ. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પૂરની પરિસ્થિતિમાં ભાગી ભાગીને દોડતા જોયા છે પરંતુ હવે એ પણ રબર સ્ટેમ્પ બની ગયા છે, એ પણ કશું બોલતા નથી એનો જવાબ માંગવા માટે અમે આવ્યા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બે વખત આવીને ટકોર કરીને જતા હોય એટલે નણંદ ભાભીના પિયર આવે અને નફટ ભાભીને ટોંટ મારીને જાય પણ ભાભી ને કઈ ફરક પડતો નથી વિચાર કરો સી આર પાટીલ આવે તે ટોન્ટ મારે પછી માનવસર્જિત પુર આવે છે. બાર છોકરા બે બહેનો મરી ગઈ એ તળાવનો મુખ્ય આરોપી જેણે એસઆઇટીની તપાસ રોકી દીધી ત્યારે આ 12 બાળકોની જે આત્મા રડી બે બહેનોની એટલે પુર આવ્યું. આજે નવનાથનું કવચ આપણા ઉપરથી ખસી ગયું. ત્યારે અમે વડોદરાની જનતાને જગાડવા માટે આવ્યા છીએ. કારણકે મ્યુનિસિપલ કમિશનરને તો અમે મહેનત કરતા જોયા છે ત્યારે આ બધા મોટી મોટી એલએડીઓ ઉપર રેડ લેબલ પીતા હતા. આ બધી અમને ખબર પડે છે વડોદરાની પ્રજાની મજા લીધી છે
આ લોકોએ અમને લાચાર કરી દીધ. લોકો ભૂખ્યા તરસ્યા મર્યા લોકો રીબાયા ત્યાર પછી પણ વિનોદરાવ નું નામ ચગાવ્યું, તો પણ હજી આ લોકોએ રિપોર્ટ બહાર નથી પાડ્યો. હાઇકોર્ટે આ લોકોને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી છે. તેમ છતાં આ જાડી ચામડીના લોકોને ફરક નથી પડતો. તેમને જગાડવા માટે આવ્યા છે. કોઈ પ્રજા લક્ષી કાર્ય કર્યા જ નથી. આ લોકો વડોદરામાં તળાવો ખાઈ ગયા. કોમન પ્લોટ ખાઈ ગયા. ગ્રીન બેલ્ટ ખાઈ ગયા. ગૌચરો ખાઈ ગયા. તો અમારું હવે શું રહ્યું? કશું નથી રહ્યું, બધું જ ખાઈ ગયા. હવે આ સેવાસદનનું નામ હટાવીને મેવાસદન કરી નાખો . કશું વેચવામાં બાકી નથી રાખ્યું. અહીંયા નીમાયેલા ત્રણ જણા સંકલન સમિતિમાં તેમના આકાનો ત્યાંથી ફોન આવે કે આ કામ પાસ કરવાનું અને આ કામ નહીં કરવાનું તો પછી સેવાસદન ઓફિસ શા માટે મનુભાઈ ટાવરમાં બેઠા બેઠા એ લોકો નક્કી કરશે. હવે અમે વડોદરા ની પ્રજાને જગાડવા આવ્યા છે.