પસંદગી પ્રક્રિયાના લીરેલીરા, મેરિટમાં પ્રથમ ક્રમે હોવા છતાં જતીન કલાઠીયાની અવગણના કરી ધાર્મિક દવેને પદ સોંપાયું હતું, કોર્ટે લિસ્ટમાં ફેરફાર કરનારા સત્તાધીશોની ઝાટકણી કાઢી

(પ્રતિનિધિ), વડોદરા. તા.10
વડોદરા મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેર (Executive Engineer) ની નિમણૂંક પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. પાલિકાની મનસ્વી કામગીરી અને નિયમોના ઉલ્લંઘન પર કડક ટકોર કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાળાઓ પોતાની મરજી મુજબ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરી શકે નહીં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે તૈયાર થયેલા મેરિટ લિસ્ટમાં જતીન કલાઠીયા પ્રથમ ક્રમે હતા. નિયમ મુજબ પ્રથમ ક્રમના ઉમેદવારની નિમણૂંક થવી જોઈએ, પરંતુ પાલિકાના સત્તાધીશોએ નિયમોને નેવે મૂકી, મેરિટમાં પાછળ રહેલા ધાર્મિક દવેની પસંદગી કરી હતી. આ અન્યાય વિરુદ્ધ જતીન કલાઠીયાએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે, પસંદગી સમિતિ દ્વારા લિસ્ટ તૈયાર થયા બાદ તેમાં મનસ્વી રીતે ફેરફાર કરવો એ સત્તાનો દુરુપયોગ છે. લાયક ઉમેદવારને અન્યાય કરી માનીતાઓને પદ આપવાની પ્રથા લોકશાહી અને પારદર્શક વહીવટ માટે જોખમી છે.
- ચુકાદો :- હાઈકોર્ટે ધાર્મિક દવેની નિમણૂંકને તત્કાલ અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે અને મેરિટમાં પ્રથમ ક્રમે આવતા જતીન કલાઠીયાને કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂંક આપવા પાલિકાને તાકીદ કરી છે.
આ ચુકાદા બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કરીએ છીએ અને તેનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવશે. જોકે, આ મામલે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
- મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવા માટે કયા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર હતા ?
- શું નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે કે તેમને છાવરવામાં આવશે ?
- પાલિકાની છબી ખરડાવનાર જવાબદારો સામે કમિશનર કડક પગલાં લેશે ખરા ?
આ કૌભાંડે પાલિકાના મહેકમ વિભાગ અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી દીધા છે. હાઈકોર્ટના આ આદેશથી લાયક ઉમેદવારોમાં ન્યાયની આશા જાગી છે, પરંતુ ભ્રષ્ટ વહીવટ સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.