ચીફ ફાયર ઓફિસર ભરતી સહિત 12 કામોને મંજૂરી
વડોદરા પાલિકાની સામાન્ય સભા ગુરુવારે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે ખૂબ જ ગરમાવ ભરેલી રહી હતી. ચીફ ફાયર ઓફિસર ભરતી પ્રક્રિયાથી શરૂ કરીને ગેરકાયદેસર બાંધકામ, સંજયનગર ઝૂંપડપટ્ટીના મુદ્દા, ટેન્ડર પ્રક્રિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓ પર ભારે ચર્ચા થઈ. આ હોબાળા અને વિરોધ વચ્ચે સભામાં તમામ 12 કામોને બહુમતીના જોરે મંજૂરી મળી હતી.
ચીફ ફાયર ઓફિસર ભરતી મુદ્દે ઉગ્ર વિરોધ
સામાન્ય સભામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી સૌથી વધુ ચર્ચાનો મુદ્દો બની હતી. તાજેતરમાં યોજાયેલી આ ભરતી પ્રક્રિયામાં 10 ઉમેદવારોએ ભાગ લીધો હોવા છતાં, માત્ર એક જ નામનું સૂચન કરવામાં આવ્યું હતું. આ બાબત પર વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સવાલ ઉઠાવ્યો કે, “10 ઉમેદવાર હોવા છતાં માત્ર એક જ નામ કેમ પસંદ કરવામાં આવ્યું?” વિપક્ષે વધુમાં આરોપ લગાવ્યો કે પસંદગી પામેલો ઉમેદવાર સ્થાનિક નથી અને શહેરની જરૂરિયાતો સમજી શકશે નહીં. કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે કહ્યું, “વડોદરા શહેરના ઉદ્યોગો માટે સ્થાનિક અને અનુભવી વ્યક્તિની પસંદગી જરૂરી છે.”
જવાબમાં, સ્થાયી ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે આ પસંદગી 5 નિષ્ણાતોની ટીમ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર થઈ છે. તેમણે ખાતરી આપી કે ઉમેદવાર તમામ શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવે છે. શાસક પક્ષ નેતા મનોજ પટેલે જણાવ્યું કે, “ઉમેદવાર ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણેલા છે અને ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે. ખોટા આક્ષેપો ન કરવા જોઈએ.”
સંજયનગર ઝૂંપડપટ્ટીના નિવાસીઓ માટે વિરોધ
કોર્પોરેશનની સામાન્ય સભામાં સંજયનગર ઝૂંપડપટ્ટી મુદ્દે વિપક્ષના નેતાઓએ તીવ્ર અક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે વર્ષ 2016-17માં વિસ્થાપિત થયેલા 1800 રહેવાસીઓને 18 મહિનામાં મકાન પૂરા પાડી આપવાના વચન છતાં આજ સુધી મકાન મળ્યાં નથી. સાથે જ દર મહિને રૂ. 2,000 આપવાના વાયદાનું પણ પાલન થયું નથી.
વિપક્ષે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરી હતી. મેયર અને ડે. કમિશનરે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં વિપક્ષના નેતાઓ શાંત થયા હતા
ગેરકાયદેસર બાંધકામ અને રોડ દબાણ મુદ્દો
શાસક પક્ષના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે “છેલ્લા છ મહિનામાં રી ડેવલપમેન્ટના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, જેના વિરુદ્ધ અનેક વખત રજૂઆત છતાં બિલ્ડર મનમાની ચાલુ રાખે છે.” તેમણે બિલ્ડરના બાઉન્સરો દ્વારા અધિકારીઓ સાથેના અશિસ્તભર્યા વર્તનનો પણ ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
અટલ બ્રિજ પર આશિષ જોષીએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
શહેરના પ્રખ્યાત અટલ બ્રિજ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોષીએ આ મુદ્દે દાવા કર્યા છે. તેમની દલીલ છે કે બ્રિજના કિયોસ્ક બોર્ડના ઈજારાના મામલામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, અને આ મામલો કોર્પોરેશન માટે મોટી ખોટ સર્જી રહ્યો છે. આશિષ જોષીના દાવા મુજબ, વર્ષ 2022માં કિયોસ્ક બોર્ડનો ઈજારો આપવામાં આવ્યો હતો, પરંતુ કરાર હજી સુધી પાયમાલ છે. 200થી વધુ બોર્ડ લગાડવામાં આવ્યા છતાં ત્રણ વર્ષના ઇજારાનું પેમેન્ટ માત્ર એક વર્ષ માટે જ કરવામાં આવ્યું છે. આશિષ જોષીએ આક્ષેપ કર્યા છે કે કોરપોરેશનના અધિકારીઓ, જેમ કે વસાવા અને માનસીગ, છેલ્લા 12 વર્ષથી એક જ જગ્યાએ હાજર છે અને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રીટર્ન થયેલા ચેકો ગુમ થઈ ગયા છે. કોરપોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ પર પણ આક્ષેપો મુકતા આશિષ જોષીએ કહ્યું કે, સરકારના આદેશની અવગણના કરીને વ્યક્તિગત લાભ માટે કેટલાક કિસ્સાઓને વેગ આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જીતેશ ત્રિવેદીનું નામ લેવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે પી.પી.પી મોડલની અસર વિશે આશિષ જોષીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, પી.પી.પી મોડલ હેઠળ શહેરનું વેપારિકરણ થયું છે, અને ગરીબો માટેના આવાસ પ્રોજેક્ટો પૂરતા પ્રમાણમાં પારદર્શક નથી. તેમના વિસ્તારમાં ગરીબોને આવાસ માટે લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ તે પૂરા થતા નથી. આશિષ જોષીએ ડેપ્યુટી કમિશનર કેતન જોષીને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાઓને સંજોગસર તપાસવી જરૂરી છે જેથી ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચીને કોર્પોરેશનને નુકસાનથી બચાવી શકાય.
અધિકારીઓના ટ્રાન્સફર પર સવાલ
વિપક્ષના નેતાઓએ વારંવાર અધિકારીઓના લાંબા સમય સુધી એકજ જગ્યાએ રહેવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, “કાયદા અનુસાર, અધિકારીઓને ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી એક જગ્યાએ રાખવા જોઈએ નહીં. તો પછી 15 વર્ષથી કેટલાક અધિકારીઓ એ જ પદ પર કેમ છે?” સફાઈ કર્મચારીઓ સાથેના અન્યાયની વાત પણ તેમણે ઉઠાવી હતી. વિપક્ષે દાવો કર્યો કે એવા કર્મચારીઓની હાજરી નોંધવામાં આવે છે જે કામ પર હાજર જ નથી.
કુલ 12 કામોને મંજુરી
ભારે હોબાળા અને ઉગ્ર ચર્ચાઓ પછી 12 મુખ્ય કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસરની ભરતી, ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ વર્ગ 3 અને વર્ગ 4ની જગ્યાઓમાં રાજ્ય સરકારના ધારા-ધોરણ અનુસાર લાભ આપવાની મંજૂરી, અને વર્ગ 3ના એસી. એન્જિનિયર અને એડી. એસી. એન્જિનિયર માટે ઉંમર મર્યાદા 30 વર્ષથી વધારીને 35 વર્ષ કરવાની વાતનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં ઉગ્ર ચર્ચા છતાં પ્રગતિ અને વિકાસ માટેના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી.