મેયરની અધ્યક્ષતામાં શોકસભા યોજાઈ; વિકાસના કામોની ચર્ચા અટકી, હવે સીધી ‘બજેટ બેઠક’ મળશે

વડોદરા મહાનગરપાલિકાની આજે મળનારી વર્ષની પ્રથમ સામાન્ય સભા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના અકાળે અવસાનના સમાચારને પગલે મુલતવી રાખવામાં આવી છે. સભાની શરૂઆતમાં જ દિવંગત નેતાને યાદ કરી શોકપ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને તમામ સભ્યોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આજની સભામાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા હતી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા અને ડેપ્યુટી સીએમ અજિત પવારના દુઃખદ અવસાનને કારણે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પાંખ દ્વારા સભા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. મેયરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહના નેતા દ્વારા શોકપ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહે બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ સભાને બરખાસ્ત કરવામાં આવી હતી.
આજની સભા મુલતવી રહેતા હવે પછીની આગામી સામાન્ય સભા સીધી બજેટ સત્ર તરીકે યોજાશે. આ સભા “વિરાસત થી વિકાસ” થીમ હેઠળ રજૂ થનારા બજેટ પર કેન્દ્રિત રહેશે. જેમાં વડોદરાના ઐતિહાસિક વારસાની જાળવણી સાથે શહેરના આધુનિક વિકાસના કામોને કેવી રીતે વેગ આપવો તે અંગેની જોગવાઈઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.