બજેટ સભામાં ‘કકળાટ’: વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બહુમતીના જોરે બજેટ મંજૂર, સેક્રેટરીના ‘સર્વાનુમતે’ શબ્દ પ્રયોગથી નવો વિવાદ

વડોદરા :;મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ અંદાજપત્રની ચર્ચાના બીજા દિવસે પાલિકાના ઇતિહાસમાં યાદ રહી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સભ્યોને બોલવા માટેની સમય મર્યાદા નક્કી કરવાના મામલે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. આ હંગામા વચ્ચે મેયર પિન્કીબેન સોનીએ કડક વલણ અપનાવી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા અને વિપક્ષની ગેરહાજરીમાં બહુમતીના જોરે બજેટને મંજૂરીની મહોર મારી દીધી હતી.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ રજૂ કરેલા બજેટ પર આજે બીજા દિવસે પણ ચર્ચા ચાલુ હતી. સવારે કોંગ્રેસના મહિલા સભ્ય પુષ્પાબેન વાઘેલાએ બજેટ પર રજૂઆત શરૂ કરી હતી. આશરે બે કલાક સુધી પ્રવચન ચાલુ રાખતા ભાજપના સભ્યોએ સમય મર્યાદા નક્કી કરવાની માંગ કરી હતી. આ બાબતે ડો. શીતલ મિસ્ત્રી અને પુષ્પાબેન વચ્ચે આંકડાકીય માહિતી મુદ્દે ઉગ્ર તકરાર થઈ હતી. જે બાદ બંને પક્ષો વચ્ચે સૂત્રોચ્ચાર અને હોબાળો શરૂ થયો હતો.

સતત 15-20 મિનિટ સુધી ચાલેલી અંધાધૂંધીને કાબૂમાં લેવા મેયરે કોંગ્રેસના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. વિપક્ષી સભ્યોને બહાર કાઢ્યા બાદ તુરંત જ બહુમતીના જોરે બજેટ પસાર કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન કોર્પોરેશન સેક્રેટરી ચિંતન દેસાઈએ કરેલી સ્પષ્ટતાએ વિવાદમાં ઘી હોમ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સભ્યો સસ્પેન્ડ થયા હોવાથી હાજર સભ્યોની મંજૂરી ‘સર્વાનુમતે’ ગણાય, જે બાબતે વિપક્ષે ભારે નારાજગી વ્યક્ત કરી લોકશાહીની હત્યા ગણાવી છે.

કોર્પોરેશનની સભામાં હાઈવોલ્ટેજ ડ્રામા

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. એક તરફ જનતાના પ્રશ્નો અને આંકડાની માયાજાળ હતી, તો બીજી તરફ ‘કોણ કેટલું બોલશે’ તેની ખેંચતાણ. વિપક્ષી સભ્યનું બે કલાક લાંબુ પ્રવચન ભાજપને ખટક્યું અને હોબાળાની એવી સ્ક્રિપ્ટ લખાઈ કે જેમાં અંતે વિપક્ષને સદનમાંથી બહાર કરી દેવાયો. સસ્પેન્શન બાદ ખાલી ખુરશીઓ વચ્ચે મંજૂર થયેલું બજેટ હવે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. શું સવાલ ઉઠાવનારનો અવાજ દબાવવો એ જ ‘સર્વાનુમતે’નો અર્થ છે? તેવો પ્રશ્ન હવે રાજકીય આલમમાં ગુંજી રહ્યો છે.