Vadodara

વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ એન્જીનિયરોએ રોડ તો બનાવી દીધો પણ લાઈન નાખવાનું જ ભૂલી ગયા

1.64 કરોડના ખર્ચે 6 મહિના પૂર્વે બનેલો રોડ ખોદી નાખતા વિવાદ :

આ શું કોઈ પેઢી ચાલે છે કે ભાઈ પૈસા કમાવા માટેનું કોઈ સાધન પકડી લીધું છે : જીગ્નેશ પટેલ

( પ્રતિનિધિ ) વડોદરા તા.5

1.64 કરોડના ખર્ચે છ મહિના પહેલા જ બનાવેલો રોડ પાણીની લાઈન નાખવા માટે ખોદી નાખવામાં આવતા એક સ્થાનિક જાગૃત નાગરિકે કોર્પોરેશનના એન્જિનિયરને મહામૂર્ખ ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.

કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓની અને શાસકોની પણ પોલ ઉઘાડી પડી છે. ઘણી જગ્યાએ તો પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ પણ થતો જોવા મળ્યો છે. માત્ર 6 મહિના પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરપુરા હવેલી ચાર રસ્તા પાસે રૂ. 1,64,46,388 ના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો અને 6 મહિના વીતી ગયા તે પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની પાઈપલાઈન નાખવા માટે ફરીથી રોડ ખોદી નાખ્યો હતો. આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોક્કસપણે જવાબ આપવો જોઈએ કે નાગરિકોના ટેક્સના નાણાંનો આ રીતે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે.

સ્થાનિક જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ બાબતે ગણીએ તો ટીપી ફાઈનલ થતો હોય અને ટીપી ફાઇનલ થાય. ત્યારે એનો આખો નકશો તૈયાર થતો હોય અને નકશા પ્રમાણે જે જે જગ્યાએ રોડ પડતા હોય અને જ્યાં જ્યાં રેસીડેન્સ એ લોકોએ ઝોન આપ્યો હોય ત્યાં ગાડી રોડ રસ્તા ગટર પાણી આ બધી વ્યવસ્થા એ લોકોએ પહેલા જ કરવાની હોય છે. હવે અત્યારે આ કોર્પોરેશનના એવું કહેવાય કે, મહા મૂર્ખ એન્જિનિયર એવું કહી રહ્યા છે કે આગળનો જે રોડ છે. એ રોડની લાઈન નાખવાનું અમે ભૂલી ગયા હતા અને એના માટે આ રોડ જે હમણાં છ મહિના પણ નથી થયા, 1.64 લાખની આસપાસનું જે બજેટ પાસ કરીને આ આખો રોડ રસ્તા પાણી ગટર વરસાદી ગટર બધું બનાવ્યું અને અત્યારે એ રોડ ઉપર ખાડો કરીને આગળની લાઈન જોઈન્ટ આપે છે. તો આ શું કોઈ પેઢી ચાલે છે કે ભાઈ પૈસા કમાવા માટેનું કોઈ સાધન પકડી લીધું છે તમે લોકોએ એ ખબર નથી પડતી કે, આવી રીતે જો આગળ ટાઉન પ્લાનિંગ થી તમે કામ કર્યું હોય તો પાણીની લાઈન પણ ભૂલી ગયા. આવી રીતે કામ ન હોય મોટા મોટા પગારો લઈને જે એન્જિનિયરો અને ઓફિસરો બેસી રહો છો. એના કરતાં અહીંયા સાઇડ ઉપર હાજરી આપો તો ખબર પડે કે કેવી રીતે કામ થતું હોય અને નગર સેવકો પણ ઘરે બેસી રહે સોનાની ચેન અછોડા વીંટી પહેરીને ફરતો હોય એનાથી કોઈ ફરક નથી પડવાનો. એ બધા પૈસા જ્યાંથી આવ્યા છે. એવી જ રીતે જતા રહેશે અને એના પરિણામો પણ તમે જોઈ જ રહ્યા છો કે જેટલું તમે ખરાબ કરશો એટલું તમારું જ ખરાબ થઈ રહ્યું છે એટલે આનાથી એવું ના વિચારશો કે અમે બહુ મોટા દેખાયશું કે બહુ મોટા એમાં આવી જઈશું. જ્યાં સુધી તમે પબ્લિકનું કામ કરશો. ત્યાં સુધી તમે સત્તામાં અને પબ્લિકનું કામ નહીં થયું તો તમને ઉતરતા વાર નહીં લાગે અને એના તાજા દાખલા ગઈકાલે જોઈ ચૂક્યા છો. આની અંદર તમે જે રોડ ખોદયો છે. એ રોડની અંદર જોયું કે જે રોડ નીચે જે 35-45 એમએમ , 15 એમએમ 10 એમએમ જે ગ્રેવલ નાખવાના છે. એ ગ્રેવલનું લેવલ 6 ઇંચ જ છે. ઓછામાં ઓછું એનું લેવલ 9 થી 12 ઇંચ નું હોવું જોઈએ. એક ફૂટ સુધીનું એની જગ્યાએ 6 ઇંચ નું લેવલ છે. નીચે રેતી નાખીએ મોટા મેટલ વાળો જે ડસ્ટ આવે છે. એ ભરી દીધેલો એટલે રોડ ની અંદર પણ ભ્રષ્ટાચાર કર્યો છે. પાણીની લાઈનોમાં પણ ભ્રષ્ટાચાર. વરસાદી ગટરમાં તો એનું ઢાંકણ બાજુમાં જ છે. ચેમ્બરની અંદર પાણીની મેન લાઈન જઈ રહી છે. આ તમારું એન્જિનિયરિંગ છે કે તમારી ફર્જી ડિગ્રી લઈને બેઠેલા છો કે શું કરવા આવ્યા છો એ જ ખબર પડતી નથી. વોર્ડ ઓફિસની અંદર જઈએ તો પંખા નીચે બેસીને એવું પૂછવામાં આવે છે કે, શું કામ આવ્યા અહીંયા અમે પૂછીએને કે તમે શું કામ અહીંયા આવ્યા છો અને આ વિસ્તાર માંજલપુર વિસ્તાર છે ડેવલોપ વિસ્તાર છે અહીંયા તમારા માટે ચાન્સ હતો જ કે પહેલા તમે કામ કરી શકતા હતા પણ હવે કામ થઈ ગયા પછી મલાઈ ખવાઈ ગઈ અને હવે પાછી કોઈ હપ્તો ભરવાનો બાકી રહ્યો હોય એના માટે આ ફરી ખોદવાનું ચાલુ કરાવ્યું છે. નગર સેવકો ધ્યાન રાખો અહીંયા હપ્તા ભરવા માટે કામ નથી થતા આ પબ્લિકના કામ થાય છે અને પબ્લિકના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે.

Most Popular

To Top