Vadodara

વડોદરા : કોર્ટે મારેલુ સીલ તોડી રાજપુતાના જ્યુસના પ્રોપરાઇટર મહેશ રાજપૂતે ધંધો શરૂ કર્યો

રૂ.50 લાખની મોર્ગેજ લોનના હપ્તા ન ભરતા કોર્ટે ઉમા ચાર રસ્તા પાસેની દુકાન સીલ કરી હતી

પ્રતિનિધિ વડોદરા તા.24
ઉમા ચાર રસ્તા પાસે રાજપૂતાના જ્યુસની દુકાનના પ્રોપરાઇટરે મુંબઇની ફાઈનાન્સ કંપનીમાંથી મોર્ગેજ લોન રૂ.50 લાખ લીધી હતી. પરંતુ હપ્તો ભરવાનું બંધ કરી દેતા કોર્ટે દુકાનને સીલ કરી કબજો ફાઇનાન્સ કંપનીને સોંપ્યો હતો તેમ છતાં પ્રોપરાઇટરે કોર્ટના હુકમનો અનાદર કરીને દુકાનને મારેલુ સીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી ધંધો શરૂ કર્યો હતો. જેથી ફાઈનાન્સ કંપનીના લીગલ ઓફિસરે દુકાન માલિક વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે રાજપુતાના જ્યુસના પ્રોપરાઇટર મહેશ રમણ રાજપૂત તેમની પત્ની સપના રાજપૂતના નામે મુંબઇની પ્રોટિયમ ફાઇનાન્સમાંથી વર્ષ 2022માં રૂ.50 લાખની ધંધાકીય લોન લીધી હતી અને તેમની જ્યુસની દુકાન મુકી હતી. પરંતુ આ દુકાન પર અગાઉ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી 40 લાખની લોન લીધી હોય તે બેન્કમાં બારોબાર ભરપાઇ કરી દીધી હતી જ્યારે બાકીના રૂ.10 લાખ લોનધારકના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા. જે લોનનો માસિક હપ્તો રૂ.77 હજાર નક્કી કર્યો હતો .જે હપ્તો 2 મે ડિસેમ્બર 2022 સુધી જ હપ્તા ભર્યાં હતા. ત્યારબાદ સતત ત્રણ હપ્તા નહી ભરપાઇ કરાતા પ્રોટીયમ ફાઇનાન્સમાંથી તેમનું બેન્ક એકાઉન્ટ એનપીએ જાહેર કર્યું હતું. ત્યારબાદ લોન ધારકને ડીમાન્ટ નોટિસ ફટકારાઇ હતી તેમ છતાં મહેશ રાજપૂતે ફાઇનાન્સનો સંપર્ક કર્યો ન હતો જેથી ફાઇનાન્સ દ્વારા દુકાન પર નોટિસ ચોટાડી મિલકતનું પજેશન લેવા માટે કોર્ટમાં દાવો દાખલ કરાવ્યો હતો. તેમ છતાં મિલકત માલિકે કોઇ દરકાર નહી કરતા કોર્ટ કમિશનર દ્વારા 60 દિવસમાં પ્રોટીયમ ફાઇનાન્સ દુકાનનો કબજો લેવા માટે કહૃયૉ છે. ગત 18 મેના રોજ રાજપુતાના જ્યુસની દુકાનને કાયદેસરને તાળુ મારી સીલ કરી મિલકતનો કબજો ફાઇનાન્સને સોંપ્યો હતો. તેમ છતાં રાજપૂતાના જ્યુસની દુકાનના પ્રોપરાઇટર અને લોનધારક મહેશ રાજપુતે સીલ તોડી દુકાનમાં ગેરકાયદે ફરીથી ધંધો શરૂ કર્યો હતો. આમ કોર્ટના હુકમનું પણ ઉલ્લંઘન કરનાર મહેશ રાજૂપત વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોટીયમ ફાઇનાન્સના લીગલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top