Vadodara

વડોદરા : કોન્ટ્રાક્ટર ભાવિન શાહે રૂ.4 લાખ પડાવી લીધા હોવા છતાં બે લોકોના મકાનોનું કામ અધુરુ છોડ્યું

બે લોકોએ ઠગ વિરુદ્ધ છેતરપિંડીની ગોરવા પોલીસ સ્ટેશનમાં બે અરજી આપી છતાં કોઇ કાર્યવાહી કેમ નહી?

કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે તેવી ભોગ બનનાર લોકોની માંગણી

પ્રતિનિધિ વડોદરા તા.29
વડોદરા શહેરના ગોરવા તથા સુભાનપુરા વિસ્તારમાં બે મકાનોના બાંધકામ કરવાના બહાને રૂપિયા ચાર લાખ જેટલી રકમ પડાવી લીધા બાદ પણ કોન્ટ્રાકટર દ્વારા કામગીરી અધુરી મુકી દેવામાં આવી હતી. જેથી બંને લોકોએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ભાવિન શાહ વિરુદ્ધ અરજી આપી હોય તેના એફઆઇઆર દાખલ કરી તેમના રૂપિયા પરત અપાવવામાં આવે તેવી માગણી અરજદારો દ્વારા કરાઇ રહી છે. તાજેતરમાં આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઠગાઇનો ગુનો દાખલ થયો હતો.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર જસરાજ પ્લાઝામાં રહેતા ભાવિન શાહ એ-1 કન્સ્ટ્ર્ક્શન એન્ડ ઇન્ટિરીયરના મકાનના બાંધકામનો વ્યવસાય કરે છે. આ ભાવિન કોન્ટ્રાકટર દ્વારા ન્યૂઝ પેપરમાં પોતાના બાંધકામ માટેની જાહેર અપાતી હોય છે. જેથી કોઇ ગ્રાહકોએ જેમને મકાનનું બાંધકામ કરાવવનું હોય તેઓ તેમનો સંપર્ક કરતા હતા. દરમિયાન ગોરવા તથા સુભાનપુરા વિસ્તારમાં રહેતા બે ગ્રાહકો દ્વારા ન્યુઝ પેપરમાંથી જાહેરાત જોઇને ભાવિન શાહનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે ઘણા વર્ષોથી બાંધકામમાં અનુભવ હોય વરસાદની આગાહી હોય તો તાત્કાલિક કામ શરૂ કરી આપવાની લાલચો આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ અરજદારો પાસેથી રૂ.4 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. કેટલાક માણસો રાખીને કોન્ટ્રાક્ટર દ્વારા મકાન તોડીને કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મકાનની કામગીરી અધવચ્ચે અધુરી છોડી દેવામાં આવી હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું હોય વારંવાર કહેવા છતાં તેના દ્વારા કામગીરી કરાવાતી ન હતી. જેથી બંને લોકો પાસેથી રૂપિયા લઇ લીધા હોવા છતાં પુરતા પ્રમાણમાં મકાનનું કામ નહી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી ભાવિન શાહ દ્વારા આચરવામાં આવી હોવાનું અરજદારોઓએ જણાવ્યું હતું. બંને ગ્રાહકો દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ભાવિન શાહ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. જેમાં એક ફરિયાદને દોઢ મહિનો તથા અન્યને સાતથી આઠ દિવસ થઇ ગયા હોય ગોરવા પોલીસ દ્વારા ઠગ કોન્ટ્રાક્ટર ભાવિન શાહ સામે એફઆઇઆર નોંધી ગુનો દાખલ કરે તેવી માંગ ભોગ બનનાર લોકો દ્વારા કરાઇ રહી છે.
– વિઝાના બહાને ઠગાઇ કરી હોવાની ભાવિન શાહ વિરુદ્ધની અરજી વિવિધ પોલીસ સ્ટેશનોમાં થઇ હતી
અગાઉ વિદેશના વિઝા બનાવી આપવાના બહાને લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર ઠગ ભાવિન શાહ દ્વારા હવે મકાનોના બાંધકામ કરવાના બહાને રૂપિયા પડાવી લેવાનો પ્રોફેશ્નલ ફ્રોડ શરૂ કર્યો છે. વિદેશના વિઝા કરવાના બહાને ભાવિન શાહે ઠગાઇ કરી લાખો પડાવી લીધા હોય તેવા લોકોએ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ અરજી આપી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાય તેવી માગ ફરિયાદી કરી રહ્યા છે,ઘણા લોકો સાથે ઠગાઇ કરી હોવાની વિગતો બહાર આવે તેમ છે.

Most Popular

To Top