યુવતીના નામનું ફેક આઇડી પણ બનાવી તેના પર અશ્લીલ ફોટા અપલોડ કર્યા
પ્રતિનિધિ વડોદરા તા.27
વડોદરા શહેરની રહેતી યુવતીના ફોટાને કોઇ શખ્સે મેળવી લીધા હતા અને આ ફોટા મોર્ફ કરીને બીભત્સ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બીભત્સ ફોટાને યુવતીનું ફેક આઇડી બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને બદનામ કરવામાં આવી છે. જેથી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર 6 સપ્ટેમ્બરના રોજ મારી મિત્ર તથા ભાઈ-બેનના મેસેજ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તારા નામની ઈન્સ્ટાગ્રામ આઈડીથી મેસેજ આવ્યો છે. જેમાં I am, I am biggest call girl એવો મેસેજ કરેલો હતો. તેમાં અમારા ફોટોને મોર્ફ કરીને ન્યુડ બનાવેલો ફોટો મોકલ્યો હતો તથા આઈડીમાં મોર્ફ કરેલો ફોટો પોસ્ટ કર્યો હતો. જેથી મે તેમની પાસેથી સ્ક્રીન શોટ મંગાવ્યો હતો તેમાં મારા નામનુ કોઈએ ફેક આઈડી બનાવેલું હતું અને તેની પોસ્ટમાં મારો મોર્ફ કરેલો ફોટો પોસ્ટ કરેલો હતો અને ડીપીમાં મારો જ ફોટો મુકેલો હતો. ત્યારબાદ અન્ય બે આઈડીથી મારી બેનને રીકવેસ્ટ આવી હતી. જેના ડીપીમાં પણ મારો ફોટો હતો. આમ સપ્ટેમ્બર મહિનાથી આજ દિન સુધી સોશિયલ મીડિયા આઈડીનો ઉપયોગ કરી મારા ફોટો કોઈ પણ રીતે મેળવી લઈ મારી જાણ બહાર આ ફોટોને મોર્ફ કરી ન્યુડ ફોટો બનાવી ફેક આઇડી પર મારી પરવાનગી વગર વાયરલ કરી સમાજમાં મારી બદનામી કરી છે. જેથી યુવતીએ ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.