બે દિવસીય ‘સેન્સ’ પ્રક્રિયાનો પ્રારંભ
પક્ષના મજબૂત અને લોકપ્રિય ચહેરાઓને શોધવા પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવાયા; બીજા દિવસે પણ પ્રક્રિયા જારી રહેશે

વડોદરા: આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર, બુધવારે શહેરના દાંડિયા બજાર સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે મજબૂત ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા એટલે કે વ્યક્તિગત ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના 19 વોર્ડમાં ચૂંટણી લડવા માંગતા 248થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવતા પક્ષમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રક્રિયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલભાઈ શાહ અને નીરવભાઈ બક્ષીની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે. મંગળવારથી શરૂ થયેલી આ પ્રક્રિયા સતત બે દિવસ સુધી ચાલશે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ વાઈઝ નિમણૂક કરાયેલા પ્રભારીઓ દ્વારા દરેક દાવેદારની ક્ષમતા, તેમની સ્થાનિક લોકપ્રિયતા અને જનતા સાથેના જોડાણની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ વોર્ડના કાર્યકરો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી પોતાની દાવેદારી રજૂ કરી હતી. આ દરમિયાન નિરીક્ષકોએ દાવેદારોને પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા, છેલ્લા પાંચ વર્ષમાં કરેલા જનહિતના કાર્યો અને વિસ્તારના મુખ્ય પ્રશ્નો અંગે સવાલો કર્યા હતા. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ઉમેદવાર સંગઠનમાં મજબૂત પકડ ધરાવતો હોય અને જેની લોકપ્રિયતા મતદારોમાં વધુ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
નોંધનીય છે કે, 19 વોર્ડની કુલ બેઠકો સામે 248થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવતા કોંગ્રેસમાં આંતરિક સ્પર્ધા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, શહેર પ્રભારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ યોગ્ય અને લડાયક ઉમેદવારોના નામની યાદી પ્રદેશ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે. બુધવારે બીજા દિવસે પણ બાકી રહેલા વોર્ડના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે, ત્યારબાદ અંતિમ પેનલ તૈયાર કરવામાં આવશે.