Vadodara

વડોદરા : કે.બી.પરીખ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે હાથાપાઈ

અવાર નવાર વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારી અને અભદ્ર ભાષાના ઉપયોગથી આસપાસના રહીશોને હાલાકી :

અમે ઘણી વખત સ્કૂલમાં કમ્પ્લેન કરી છે પણ સ્કૂલવાળા કઈ એક્શન લેતા નથી : ભાવેશ ચૌહાણ

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી કે.બી.પરીખ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જ્યારે આ ઘટનાને લઈ આસપાસના રહીશોએ પણ નારાજગી દર્શાવી હતી અને અવારનવાર આ રીતે વિદ્યાર્થીઓ મારામારી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

વડોદરા શહેરને આમ તો સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે અને સારું જ્ઞાન લેવા માટે જતા હોય છે. પરંતુ વિદ્યાના ધામમાં પણ હવે મારામારીના કિસ્સા જોવા મળી રહ્યા છે. ત્યારે, શહેરના આજવા રોડ પર આવેલી શ્રીમતી કે.બી.પરીખ હાઈસ્કૂલમાં આગામી બોર્ડની પરીક્ષા હોય ધો.10ના વિદ્યાર્થીઓનો શાળામાં અંતિમ દિવસ હતો. જેમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ અંદર અંદર બાખડયા હતા અને મારામારી કરી હતી. જ્યારે એક વિદ્યાર્થીએ બહારથી પણ બે વિદ્યાર્થીઓને બોલાવી એકબીજા સામે પટ્ટાથી મારામારી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બનતા શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરાઈ હતી. જ્યારે શાળામાં બનતી આવી વારંવારની મારામારીની ઘટનાથી શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શાળાની આજુબાજુમાં આવેલા વિસ્તારના સ્થાનિક ભાવેશભાઈનું કહેવું છે કે છાશવારે આ શાળામાં વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટના સામે આવતી હોય છે અને વિદ્યાર્થીઓ અભદ્ર શબ્દનો ઉપયોગ પણ કરતા હોય છે. રહીશો તરીકે અમે અનેક વખત વિદ્યાર્થીઓને સમજાવ્યા છતાં પણ વિદ્યાર્થીઓ માનતા નથી અને શિક્ષકો પણ આ બાબતે વિદ્યાર્થીઓને ટકોર કરતા નથી.

Most Popular

To Top