નિઝામપુરા વિસ્તારમાં નીલ ઓવરસીઝ નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતી એજન્ટ સામે ફરિયાદ, બાયોમેટ્રિક કરાવ્યા બાદ પણ ફાઈલ જ ન ભરાતાં ભાંડો ફૂટ્યો
વડોદરા તા.12
આણંદ જિલ્લાના વાસદ ગામે રહેતી એક મહિલાને કેનેડા વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રૂ.6 લાખની છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં નીલ ઓવરસીઝ નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતી મહિલાના વિઝા બનાવી આપ્યા ન હતા કે રૂપિયા પણ પરત આપતી ન હોય તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદ મુજબ વાસદ ગામે રહેતી તૃપ્તિબેન મિતેષભાઈ પટેલ (ઉ.વ.48) ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને કેનેડા ખાતે વર્ક પરમિટ પર જવાનું હોવાથી તેમના ભાણેજ રાજ મુકેશભાઈએ જ્યોતિબેન ગોસ્વામી નામની મહિલા સાથે ઓળખાણ કરાવી હતી. જ્યોતિબેન ગોસ્વામી વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં “નીલ ઓવરસીઝ” નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ તૃપ્તિબેન ગોરવા વિસ્તારની અંકુર વાટિકા સોસાયટી ખાતે જ્યોતિબેનના ઘરે મળવા ગયા હતા. ત્યાં જ્યોતિબેને કેનેડાના બે વર્ષના વર્ક પરમિટ માટે ખર્ચ રૂ. 35 લાખ થશે અને છથી આઠ મહિનામાં વિઝાનું કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપી હતી.
10 ડિસેમ્બર 2022ના રોજ પ્રોસેસ શરૂ કરવા માટે તૃપ્તિબેને રૂ.3 લાખ રોકડા આપ્યા હતા અને તેના બદલામાં “નીલ ઓવરસીઝ”ના નામે રસીદ આપવામાં આવી હતી.
પછી વધુ પ્રક્રિયા માટે રૂ.૩ લાખની માંગણી કરવામાં આવતા તૃપ્તિબેને 12 અને 13 જૂન 2023ના રોજ જીતુ પટેલ નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર રૂ.1.75 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તેમજ રૂ.1.25 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ તેમને બાયોમેટ્રિક પ્રક્રિયા માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા અને બાયોમેટ્રિક પણ કરાવવામાં આવ્યું હતું.
આગળ ચાલીને આરોપીએ વીએસએફ અમદાવાદ ખાતે પાસપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ ત્યાંથી માહિતી મળી કે કેનેડા વર્ક પરમિટ માટે કોઈ અરજી જ કરવામાં આવી નથી. જેથી તૃપ્તિબેનને શંકા જતા પાસપોર્ટ પરત મેળવી જ્યોતિબેન ગોસ્વામીનો સંપર્ક કર્યો હતો.
પરંતુ આરોપી તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો અને બાદમાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ રીતે કેનેડા વર્ક પરમિટ કરાવી આપવાના બહાને કુલ રૂ.6 લાખ લઈને કામ કર્યા વગર છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.