લાંબા સમયની રજૂઆત બાદ આખરે આજે પાલિકાનું બુલડોઝર ફર્યું
કામગીરી દરમિયાન પોલીસ, કોર્પોરેશન, MGVCL, ફાયર અને મેડિકલ ટીમ હાજર રહી
વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃણાલ ચાર રસ્તા પાસે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી. અહીં આવેલું સ્થાનિક બજાર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ચાલતું હતું, જેથી પાલિકાની ટીમે આજે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, જમીન ઉપર હાઈટેન્શન લાઈન પસાર થાય છે, જેથી ત્યાં બજાર લગાવવાની મંજૂરી આપી શકાય નહીં. દબાણ હટાવવા માટે પહોચેલી પાલિકા ટીમે શરૂઆતમાં વેપારીઓ સાથે વાતચીત કરી હતી. વેપારીઓએ પોતે દબાણ દૂર કરવા માટે સંમતિ આપતાં પાલિકાએ તેમને બે કલાકનો સમય આપ્યો હતો. ત્યારબાદ વેપારીઓએ પોતે જ સામાન ખસેડી દબાણ હટાવવાનું કામ શરૂ કર્યું હતું.
પાલિકાની ટીમે પણ મદદરૂપ બની દબાણ હટાવવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. આ કામગીરીના અંતે અંદાજે 22 હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવવામાં આવી છે. દબાણ હટાવવાની આ કાર્યવાહીની દરમિયાન સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કોઈ અઘટિત બનાવ ન બને. પોલીસ બંદોબસ્તમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગત સપ્તાહમાં પણ આ જ વિસ્તારમાં પાલિકાની આરોગ્ય શાખાએ અખાદ્ય ખોરાક વેચતા રેંકડીદારો અને દુકાનદારો સામે આકરી કાર્યવાહી કરી હતી. ત્રણ દુકાનો અને 10થી વધુ લારીઓ બંધ કરાવવામાં આવી હતી. કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં દબાણ અંગે અગાઉ પણ સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો દ્વારા પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. દબાણ હટાવવા માટે પાલિકા દ્વારા અગાઉ પણ દબાણકર્તાઓને તાકીદ કરવામાં આવી હતી. આજે પાલિકાની દબાણ શાખાએ કડક કાર્યવાહી કરતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને અંદાજે 22 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે. આ કામગીરી દરમિયાન પોલીસ, કોર્પોરેશન, MGVCL, ફાયર અને મેડિકલ ટીમ હાજર રહી હતી.