Vadodara

વડોદરા : કાસમઆલા ગેંગના આરોપીઓના રિમાન્ડને 6 દિવસ થયા છતાં ક્રાઈમ બ્રાન્ચ લાલ ડાયરીનો ભેદ ઉકેલી શકી નથી

ગુજસીટોક કેસમાં હુસેન સુન્ની સહિત 4 આરોપીના 11 દિવસના રિમાન્ડ, સૌરાષ્ટ્રમાં ડાયરી છુપાવી પરંતુ હજુ પોલીસને મળી નથી, આરોપીઓએ પહેલા કહ્યું વિરમગામ હાઈવે પર ગામ પાસે જમીનમાં રિવોલ્વર છુપાવી, હવે કહે છે રાજસ્થાન હાઇવે પર સંતાડી છે, પોલીસને પણ ગોળ ગોળ ફેરવતા આરોપીઓ

વડોદરા તારીખ 8
બિચ્છુ ગેંગબાદ અસ્તિત્વમાં આવેલી કાસમઆલા ગેંગ દ્વારા વડોદરા શહેરમાં દારૂ- જુગાર, ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ સહિતના ગંભીર ગુના આચરવામાં આવતા હતા. જેમાં કાસમઆલા ગેંગના પાંચ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ 5 આરોપીઓના 6 જેટલા દિવસ થયા હોવા છતાં આરોપીઓ પાસેથી કોઈ ચોક્કસ માહિતી બહાર કઢાવી શકી નથી. જાણે ગેંગના આરોપીઓ ક્રાઈમ બ્રાબ્રાન્ચને ગોળ ગોળ ફેરવી રહ્યા હોય લાગી રહ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સાગરીતોએ તેમના કાળા ચિઠ્ઠાની લાલ ડાયરી સૌરાષ્ટ્રમાં છુપાવી હતી પરંતુ પોલીસ હજુ ડાયરી પણ શોધી શકી નથી. બીજી તરફ પહેલા રિવોલ્વર વિરમગામ પાસેના ગામમા સંતાડી હોવાની નહીં હકીકત જણાવી હતી પરંતુ હવે રાજસ્થાન હાઇવે તરફ છુપાવી હોવાનું કહી રહ્યા છે.

તાંદલજાના યુવકને રસ્તામાં રોકી ખંડણી માંગ્યા બાદ લુંટ ચલાવનાર હુસેન સુન્ની સહિતની ત્રિપુટીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. લૂંટના ગુનાની વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતી કાસમઆલા ગેંગનો પર્દાફાશ થયો હતો અને 8 માથાભારે આરોપીની ગુજસીટોકના ગુના હેઠળ ઝડપી પાડ્યા હતા. પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા શાહીદ ઉર્ફે ભુરિયો જાકીરભાઈ શેખ (હુજરાત પાગા), વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માંજા યુસુફખાન પઠાણ (રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે), હુસન ઉર્ફે ઝાંઝર કાદરમીયાં
સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે), સુફિયાન સીકન્દર પઠાણ (રહે. પાંજરીગર મહોલ્લો, ફતેપુરા) અને ગની ઉસ્માનમીયાં શેખ (રહે. ઈન્દીરાનગર, હાથીખાના)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને પૂછપરછ માટે 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા પાંચ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે હુસેન કાદર સુન્ની, અકબર કાદર સુન્ની, સિકંદર કાદર સુન્ની અને મોહંમદઅલીમ સલીમખાન પઠાણના સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને સાત ડિસેમ્બરના રોજ રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચાર આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કયા કયા મુદ્દે રિમાન્ડ માગ્યા

હુસેન સુન્ની કાસમઆલા ગેંગનો મુખ્ય લીડર છે અને આ ગેંગે મળીને છેલ્લા 10 વર્ષમાં 164 ગુનાને અંજામ આપ્યો છે. હુસેન સુન્ની ગુનાઓથી મેળવેલા રૂપિયાનો હિસાબ એક ડાયરીમાં લખતો હતો અને જે આરોપીઓ કાસમઆલા ગેંગ સાથે જોડાયેલા છે. તેની વિગતો પણ આ જ ડાયરીમાં લખતો હતો. આ ડાયરી વિશે ગેંગના સાગરીતો જાણે છે, પરંતુ આરોપીઓ કાળા ચિઠ્ઠાની ડાયરી વિશે કોઈ યોગ્ય જવાબ આપતા નથી અને ક્રાઈમ બ્રાન્ચ ને પણ ગોળ ગોળ ફેરવી રહ્યા છે. આ ડાયરી તેઓએ સૌરાષ્ટ્ર તરફ આવેલા એક ગામમાં આરોપીના સંબંધીના ઘરે કોઠીમાં છુપાવી છે. પરંતુ ચોક્કસ ગામનું નામ આપતા નથી.
કાસમઆલા ગેંગની ટોળકીએ હથિયાર પોલીસ ચેકિંગ વધુ હોવાથી એક વાહનમાં મૂકી ગેંગના માણસો સાથે રાજસ્થાન તરફ ઉદેપુરથી શ્રીનાથજી જવાના રસ્તામાં એક ફેક્ટરીની દિવાલ પાસે પ્લાસ્ટિકની થેલીમાં છુપાવી દીધા છે. અગાઉ અમદાવાદ વિરમગામ જવાના રસ્તા પર મકાનમાં હથિયારો દાટી દીધા હોવાની હકીકત જણાવી હતી અને હવે રાજસ્થાન તરફ હથિયાર છુપાવ્યુ હોવાનું કહીને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
મથુરાના વ્યક્તિ પાસેથી ખરીદવા માટે હથિયારના રૂપિયા હુસેન સુન્નીએ ચૂકવ્યા હતા. હથિયાર વિશે પુછતાં આરોપીઓ મથુરાના મૌલાના ચોકમાં રહેતા એક વ્યક્તિ પાસેથી લાવ્યાનું જણાવે છે.
મહમદઅલીમ પઠાણ જણાવે છે કે, દારૂમાંથી મેળવેલા રૂપિયા તથા ગેંગ દ્વારા ગુનાઓ કરીને મેળવેલા નાણાનો હિસાબ લીડર હુસેન સુન્ની રાખતો હતો. હું આ રૂપિયા ઉત્તર પ્રદેશમા કાસગંજ પાસેના બરગેન ગામ પાસેના ગામમાં રહેતી મહિલા મિત્રને રાખવા માટે આપ્યા છે. જ્યારે મારી ગેંગને દારૂ ખરીદવા કે કોઈ કામ માટે રૂપિયાની જરૂર પડે ત્યારે હું આ ગામ ખાતે જઈને મહિલા પાસેથી રૂપિયા લઈને આવતો હતો.
ખંડણીનો ગુનો આચાર્યા બાદ આરોપી અકબર સુન્નીએ તેનો મોબાઇલ છોટાઉદેપુર પહેલા હાઇવે પર આવેલી હોટલની બાજુમાં ટોયલેટની પાછળ ખુલ્લી જગ્યામાં દાટી દીધો હતો.
ઉપરાંત આરોપીઓ દારૂ રાજસ્થાનના શ્રીગંગાનગરથી લાવતા હતા. તેમને દારૂ લાવવામાં કોણે મદદ કરી છે. છેલ્લા 10 વર્ષમાં તેઓ દારૂનો મુદ્દામાલ ખરીદી કરવા માટે રૂપિયા ક્યાંથી લાવ્યા તેની પણ તપાસ કરવાની છે.
આ ઉપરાંત આરોપીઓએ 10 વર્ષમાં કયા કયા હથિયારોની ખરીદી છે અને આ રૂપિયા કોને કોને રાખવા માટે આપ્યા છે જેથી આરોપીઓના મોબાઇલ ડેટાની પણ તપાસ કરવાની છે. આ ઉપરાંત આરોપીઓના રહેણાંક મકાનોની પણ ઝડતી લેવાની બાકી છે
આ આરોપીઓને પડદા પાછળ રહી કોણ-કોણ પ્રોત્સાહન આપે છે, તેની આરોપીઓ ખબર નથી તેવી વાત કરે છે. આરોપીઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ક્યારે ગેંગમાં જોડાયા. તેમનો આ ગુનાઓમાં શુ રોલ હતો તે પણ જાણવું જરૂરી છે. આ ટોળકી વડોદરા સિવાય અન્ય જિલ્લાઓમાં કે રાજ્યોમાં બીજા લોકોને સામેલ કર્યા છે, આ ઉપરાંત વડોદરા બહાર અન્ય જિલ્લાઓમાં કે રાજ્યમાં ગુના આચર્યા છે.

Most Popular

To Top