નાગરવાડા ગોલવાડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાણો ઊઠી

( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાનની દિવાલ તૂટી ગયા બાદ હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય નળીકામાં ભંગાણ થતા નાગરવાડા સહિતના વિસ્તારોમાં પાણીની બુમરાણો ઊઠવા પામી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાનની દિવાલ ગત વર્ષે તૂટી ગઈ હતી. આ વખતે પણ દીવાલની કામગીરી વખતે પીવાના પાણીની નલિકામાં ભંગાણ પડ્યું હતું. પાણીના ફુવારા ઉડયા હતા. જે બાદ ફરીથી આ દિવાલની કામગીરી દરમિયાન આજે પીવાના પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ પડતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય નળીકામાં પડેલ ભંગારને કારણે નાગરવાડા ગોલવાડ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી નહીં આવતા લોકોને મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે. ત્યારે, આજરોજ સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.