કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની હત્યા થયા બાદ ફરી જુગાર ધમધમવાનું શરૂ થયું
પ્રતિનિધિ વડોદરા તા. 5
તાજેતરમાં નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં પૂર્વ કોર્પોરેટર ના પુત્રની ચાકુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. ત્યારે ફરી કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગાર ધમધમવાનું શરૂ થઈ ગયુ છે. ઘણા સમયથી ચાલતા આ જુગાર પર પોલીસે રેડ કરીને 9 ખેલીઓને ઝડપી પાડ્યા હતા.
નાગરવાડા વિસ્તારમાં તાજેતરમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં પૂર્વ કોર્પોરેટરની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને થોડા સમય સુધી આ નાગરવાડા વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે જુગાર અને દારૂના ધંધા બંધ કરાવી દીધા ત્યારબાદ ફરી કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર શરૂ થયો હતો. ચાર મેના રોજ કારેલીબાગ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાસમ આલા કબ્રસ્તાનની પાછળ આવેલા મકાનના ધાબા પર જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના મકાનના ધાબા પર રેડ કરી હતી. ત્યારે પોલીસની રેડના પગલે જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા
9 ખેલી ઈકબાલ ઉર્ફે ગબ્બર ગુલામ હુસેન સિંધી, ઝુબેર ઉર્ફે ભુરિયો યાકુબ , રમેશ ચંદ્રકાંત પટેલ, ફરીદ તાજુમિયા સિંધી, મહંમદ મેહમુદ શેખ, સંજય આત્મારામ સોલંકી, ઈસ્માઈલ ફકીર શેખ, હુસેન ઉર્ફે સમીર મુબારીક અલદાર અને મેહમુદ ઉર્ફે ભોલુ સિંધી ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓની અંગજડતી કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી રૂ.18 હજાર મળી આવ્યા હતા, દાવ પર લાગેલી રોકડ રકમ રૂ. 22 હજાર, રૂ.27 હજારના 6 મોબાઈલ મળી રૂ. 67 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.