પ્રતિનિધિ વડોદરા તા.21
ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સંચાલકને કાર રુ.9.25 લાખમાં વેચવાનું કહીને ભેજાબાજ એજન્ટે તેમની પાસેથી રુ.6.61 લાખ ખંખેરી લીધા હતા. સાત થી આઠ મહિના થઈ ગયા હોવા છતાં ઠગ એજન્ટ કાર કે ચૂકવેલા રૂપિયા તેમને આપતો ન હતો. જેથી ટ્રાન્સપોર્ટરે ભેજાબાજ એજન્ટ વિરુદ્ધ વરસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે માધવ રેસીકોમ પ્લાઝામાં રહેતા મેહુલભાઈ ભરતભાઈ પંડયા ટ્રાંસપોર્ટનો ધંધો કરે છે. ગત મે મહિનામાં સોશીયલ મીડિયા પર ચેક કરતા હતા ત્યારે એક કાર ઓનલાઇન વેચાણ અર્થે મુકેલી જણાઈ હતી. કારના ફોટા જોતા સંચાલકને કાર પસંદ આવી ગઈ હતી જેથી તેઓએ પોસ્ટ મૂકનાર વ્યક્તિના મોબાઇલ નંબર પર કોન્ટેક્ટ કરતા પરવેઝખાન ઐયુબખાન નકુમ સાથે વાત થઈ હતી. તેણે કારના ફોટા તથા કાગળો તેમને મોકલી આપ્યા હતા. જેથી તેઓ તેમના પિતા ભરતભાઈ પંડયા સાથે કાર જોવા માટે કાયાવરોહણ ખાતે ગયા હતા. જ્યાં પરવેઝખાન ઐયુબખાન નકુમ તથા કાર માલીક યતિન બુધ્ધિસાગર પટેલ (રહે .ટીમ્બરવા ગામ તા, શિનોર) કાર લઈને આવ્યા હતા. જ્યાં બંને સાથે વાત કરતા યતિન પટેલ પોતાની કાર વેચવા બાબતે પરવેઝખાન જે વાતચીત કરશે તે માન્ય રહેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરવેઝખાન સાથે વાત કરતા તેણે રૂ.9.25 લાખમાં ગાડી વેચાણ લેવાનું નકકી કર્યું હતું. ત્યારે પરવેઝખાને કારના વેચાણના બાના પેટે રૂપિયા 31 હજાર આપવાનું કહેતા તેને ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેથી તેણે કારનો કબજો, ગાડી સર્વિસ કરી, આરટીઓ પાસીંગ પ્રોસીજર શરૂ કરી આપવા ખાત્રી આપી હતી.ટીટીઓ ફોર્મ તથા વેચાણ કરાર જાતે હાથથી ભરી તેમની રૂબરૂમાં સહી પણ કરી આપી હતી. જેથી ટ્રાન્સપોર્ટ સંચાલકે વિવિધ એકાઉન્ટમાંથી રુ. 6.61 લાખ પણ ચૂકવી દીધા હતા. પરંતુ રૂપિયા એજન્ટને ચૂકવ્યે સાતથી આઠ મહિના થઈ ગયા હોવા છતાં પરવેઝખાને આજદિન સુધી કાર આપી નથી. જેથી ટ્રાન્સપોર્ટરે કાર કે રૂપિયાની ઘણીવાર માંગણી કરી હોવા છતાં પરવેઝ ખાને નહિ આપતો હોય તેના વિરુધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા : કાર વેચવાના બહાને ટ્રાન્સપોર્ટ સંચાલકને એજન્ટે રુ.6.61 લાખનો ચુનો ચોપડ્યો
By
Posted on