Vmc નું વાઇફાઇ ટાવર હોવાની પ્રાથમિક માહિતી :
ભારે જહેમતે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરમાં આગજનીના બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં કારેલીબાગ વિસ્તારમાં એક વાઇફાઇ ટાવરમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા બાદ મોબાઇલ ટાવર સહિત કેબીન આગમાં લપેટાઈ જતા અગન જ્વાળાઓ નીકળી હતી. જોકે તુરત ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં શુક્રવારે મોડી રાત્રે કારેલીબાગ સંગમ રોડ ઉપર એક વાઈફાઈ ટાવરમાં આગ લાગી હતી. નાગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ વાઇફાઇ ટાવર આવેલું છે આ ટાવરમાં રાત્રિના 11:30 થી 12 કલાકની વચ્ચે સૌપ્રથમ ધુમાડા નીકળ્યા અને જે બાદ એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સમગ્ર વાઇફાઇ ટાવરના કેબિનમાંથી આગની અગનજ્વાળાઓ નીકળતા આ બનાવ અંગેની જાણ ફાયર સીટી એન્ડ કમાન્ડ કંટ્રોલરૂમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના આવી હતી. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હાલ આ વાઇફાઇ ટાવર વીએમસીનું હોવાનું જાણવા મળ્યું છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે.