Vadodara

વડોદરા : કારેલીબાગના મંદિરમાંથી 3થી 5 મિનિટમાં જ બે તસ્કર રૂપિયા ભરેલી બે દાન પેટી ચોરી ગયા

પરોઢિયે સવા પાંચ વાગ્યાના અરસામાં મંદિરના વૃદ્ધ સેવક દૂધ લેવા ગયા અને તસ્કરોએ ખેલ પડ્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

વડોદરા તારીખ 3

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરોઢિયે સવા પાંચ વાગ્યાના અરસામાં મંદિરના વૃદ્ધ સેવક દૂધ લેવા માટે ગયા હતા ત્યારે તસ્કરો મંદિરમાંથી ત્રણથી ચાર મિનિટમાં જ બે દાનપેટીની ચોરીને કરીને રફુચક્કર થઈ ગયા હતા. પૂજારીએ મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી કરવા આવેલા બે તસ્કર કેમેરામાં કેદ થઈ ગયા હતા. કારેલીબાગ પોલીસે ફૂટેજના આધારે બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ચોરીને અંજામ આપી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકવા સાથે નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરને 3 ઓક્ટોબરના રોજ બે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. શુક્રવારે પરોઢિયે સવા પાંચ વાગ્યાના અરસામાં મંદિરમાં સેવા કરતા વૃદ્ધ દૂધ લેવા માટે ઉઠયા હતા. ત્યારે મંદિરના સંકુલમાં બાંકડા પર બેઠેલા બે શખ્સ બહાર નીકળી ગયા હતા. જેવા વૃદ્ધ દૂધ લેવા માટે દુકાને ગયા હતા. ત્યારે આ બે તસ્કર દરવાજાથી ફરી મંદિરમાં આવ્યા હતા અને બે દાન પેટી કાઢી ચોરી કરીને લઈ ગયા હતા.

તસ્કરો ત્રણથી ચાર મિનિટમાં ખેલ પાડી રફુચક્કર થઈ ગયા હતા. વૃદ્ધ આવ્યા ત્યારે મંદિરના મુકેલી બે દાન પેટી જોવા મળી ન હતી. જેથી તેઓએ મંદિરના પૂજારીને આ ચોરીની જાણ કરી હતી. પૂજારી તાત્કાલિક દોડી આવ્યા હતા અને મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે ચોરી કરવા માટે આવેલા બે ચોર કેમેરામાં કેદ થઈ ગયા હતા.

જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે મંદિરમાં ચોરી કરનાર બંને ચોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે હવે તસ્કરોને માતાજી કે ભગવાનનો પણ કોઈ પ્રકારનો ડર રહ્યો નથી. જેના કારણે તેઓ મંદિરોને પણ બેખોફ રીતે નિશાન બનાવી રહ્યા છે.

Most Popular

To Top