વડોદરા તારીખ 4
વડોદરા શહેરમાં મોટું નામ એવા કાન્હા ગ્રુપના નશેબાજ બિલ્ડર ધવલ ઠક્કરે ગુંડા તત્વોને સોપારી આપીને છાણીમાં રહેતા કાકા સસરા પર હિંસક હુમલો કરાવ્યો હતો. જેમાં પોલીસે અગાઉ દસ આરોપીઓની ધરપકડ કરી જામીન પર છોડી મૂક્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ બે હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘણા દિવસો થઈ ગયા હોવા છતાં ધવલ ઠક્કર હજુ સુધી પોલીસના પકડમાં આવ્યો નથી. ત્યારે શું આ બિલ્ડર ક્યાં ગાયબ થઈ ગયો તેને લઈને ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે.

વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા મોટું નામ એવા કાન્હા ગ્રુપના દારૂડિયા બિલ્ડર ધવલ ઠક્કર દ્વારા પત્નીને વારંવાર મારઝુડ કરવામાં આવતી હતી. જેના કારણે બિલ્ડરની પત્ની પિયર જતી રહી હતી, તેની રોષ રાખીને બિલ્ડરે કાકા સસરા સાથે ફોન પર ઝઘડો કર્યો હતો અને ગુંડા તત્વોને તેમની સોપારી આપી હતી. ત્યારબાદ છાણી વિસ્તારમાં રહેતા આ કાકા સસરાના ઘરે જઈને તેમના પર ગુંડા તત્વો દ્વારા હુમલો કરાવ્યો હતો. જેથી બિલ્ડર સહિતના આરોપી વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એના કારણે પોલીસે ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવી હતી અને બિલ્ડર સહિતના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ છાણી પોલીસે એક સગીર સહિત 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ત્રણ જૂનના રોજ પોલીસ દ્વારા અન્ય હુમલાખોરો શ્યામ ગોહિલ ( રહે. દશરથ) તથા યશ રાવળ (રહે. છાણી) ની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે છાણી માં રહેતા આધેડ પર હુમલો કરવામાં સામેલ હુમલાખોર પૈકી અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 12 પર પહોંચ્યો છે. જ્યારે મુખ્ય આરોપી બિલ્ડર ધવલ ઠક્કર ઘણા દિવસ થઈ ગયા હોવા છતાં જાણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ પોલીસની પકડમાં આવતો નથી.