ભત્રીજીને જમાઇ મારતા હોવા બાબતે કાકા સસરા સાથે ફોન પર ઝઘડો થતા હુમલો થયો તેની રીસ વાળી,
વગદાર કાન્હા ગ્રૂપનો બિલ્ડર ક્યારે પોલીસની પકડમાં આવશે?
પ્રતિનિધિ વડોદરા તા.28
ભત્રીજીને માર મારનાર કાન્હા ગ્રૂપના બિલ્ડર ધવલ ઠક્કરે કાકા સસરા સાથે ફોન પર ઝઘડો કર્યો હતો. તેની અદાવત રાખીને બિલ્ડર તેના મળતીઓને લઇને છાણી ખાતે રહેતા કાકા સસરાના ઘરે ગયો હતો અને મળતીયા સાથે મળીને તેમના પર લાકડીઓથી હિંસક હુમલો કર્યો હતો. જેથી કાકા સસરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરી બિલ્ડરને વોન્ટેડ જાહેર કર્યો છે.
મૂળ આણંદ જિલ્લાના ખંભાતના શંક્કરપુરા રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ રસિકલાલ ઠક્કર હાલ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં હરીભાઇ એસ્ટેટમાં રહે છે. તેમના મોટાભાઇ લાલજીભાઇ રસિકલાલ ઠક્કર ખંભાત ખાતે રહે છે. તેમની મોટી દીકરી નમ્રતાબેનના લગ્ન ઇલોરાપાર્ક ખાતે આમ્રકુંજ સોસાયટીમાં રહેતા કાન્હા ગ્રૂપના બિલ્ડર ધવલ દીપક ઠક્કર સાથે 14 વર્ષ પહેલા થયા હતા. ચિક્કાર દારૂનો નશો કરવાની ટેવવાળા ધવલ ઠક્કર અવાર નવાર તેમની પત્નીને માર મારવા સાથે ત્રાસ આપતા હોય નમ્રતાબેન પિયરમાં આવી જતા હતા. જેથી ધવલ ઠક્કર તેમને ફોન પર કોલ કરી તથા મેસેજ કરીને ગાળો ભાંડતા હતા. દરમિયાન ભત્રીજા જમાઇ ધવલ ઠક્કરે કાકા સસરા જગદીશભાઇને ગાળો ભાંડતા હોય ઝઘડો થયો હતો. જેથી તેની અદાવત રાખીને ભત્રીજા જમાઇ બિલ્ડર 26 મેના રોજ રાત્રીના પોણા બાર વાગ્યાના સમયે તેમના ઘરે કાકા સસરા સુઇ રહ્યા હતા ત્યારે ધસી આવ્યો હતો અને સાગરીતો સુનિલ, વૈભવ, શંભુ બહાર આવ્યા હતા, ત્યારે બિલ્ડરે તેમને કહ્યું હતું કે, આ જગદીશ છે તેને સીધો કરી દો તેમ કહેતા તમામ લોકો કાકા સસરા પર લાકડીઓ લઇ તુટી પડ્યાં હતા. દરમિયાન લોકો ભેગા થઇ જતા તેઓ કાર લઇને ભાગી ગયા હતા. કાકા સસરાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને માથામાં ટાંકા આવ્યા છે. જેથી તેઓ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાન્હા ગ્રૂપના બિલ્ડર ધવલ ઠક્કર સિવાયના વૈભવ, સુનિલ અને શુંભની ધરપકડ કરી લીધી છે. જ્યારે બિલ્ડર નહી પકડાતા તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.