Vadodara

વડોદરા-કરજણ માર્ગ ઉપર ટ્રાફિક જામથી લોકોને હાલાકી, તંત્રના આશ્વાસનો ફક્ત કાગળ પર

પોલીસ કમિશ્નર, NHAI, RTO, અને મનપા અધિકારીઓના એક પછી એક “ટેમ્પરરી એક્શન પ્લાન તેમ છતાં દર બે-ત્રણ દિવસે 4 થી 10 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ, લોકોને બે-ત્રણ કલાક સુધી અટવાવું પડે છે

વડોદરા: વડોદરા-કરજણ વચ્ચે આવેલાં પોર અને બામણગામના સાંકડા બ્રિજ તથા રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વારંવાર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાને કારણે સવાર અને સાંજના પીક કલાકોમાં કિલોમીટર સુધી લાંબી કતારો લાગી જાય છે. રોજિંદા નોકરી, વ્યવસાય અને શાળાએ જતા લોકો માટે આ પરિસ્થિતિ માનસિક તેમજ શારીરિક થાકનું કારણ બની રહી છે.

પોલીસ કમિશ્નર, NHAI, RTO, અને મનપા અધિકારીઓ એક પછી એક “ટેમ્પોરરી એક્શન પ્લાન”, “એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ” જેવી જાહેરાતો કરતાં રહ્યા, પરંતુ પોર-બામણગામ સહિત પાંચ બ્રિજની વાઈડનિંગના પ્રોજેક્ટ માટે હજુ બે વર્ષનો સમય બાકી છે. આ વચ્ચે રોજે રોજ વાહન ચાલકો ટ્રાફિક જામમાં ધક્કા ખાઈ રહ્યા છે, તો સિવિલ અને ઈન્ડસ્ટ્રીયલ કાર્યસ્થળે જનારાવ માટે વહેલી સવારે નીકળવા સિવાય બીજો વિકલ્પ રહ્યો નથી.

મળતી માહિતી અનુસાર, સંબંધિત વિભાગ દ્વારા અનેકવાર ખાડા પુરવાની તથા તાત્કાલિક દરાર દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ સૌ પ્રયત્નો ફક્ત તાત્કાલિક ઉપાય સાબિત થયા છે. થોડા વરસાદ કે ભારે વાહન વ્યવહાર થતા જ રસ્તા ફરી ખસ્તાહાલ બની જાય છે. લાંબા ગાળાનો કોઈ ટકાઉ ઉકેલ ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોર અને બામણગામ બ્રિજ સંકુચિત હોવાને કારણે ભારે વાહનો પસાર થવામાં મુશ્કેલી ઉભી થાય છે. પરિણામે વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ક્યારેક એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને પણ લાંબો સમય ટ્રાફિકમાં ફસાયા રહેવાનો વારો આવે છે.
તે જ રીતે વડોદરા શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 પણ છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઝેલી રહ્યો છે. હાઈવે પર ખાડા, અયોગ્ય સર્વિસ રોડ અને તૂટી પડેલા માર્ગ પરિસરને કારણે વાહનો ધીમા ચાલતા ટ્રાફિકનો બોજ વધે છે.
તાજેતરમાં જ પોલીસ કમિશ્નર નરસિંહા કોમારે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સુધારાત્મક પગલાં લેવા માટે સૂચનાઓ આપી હતી. છતાં હકીકતમાં લોકો સુધી કોઈ ખાસ રાહત પહોંચી નથી. સાંસદ અને પ્રબંધક તંત્ર દ્વારા ઊંચા સ્તરે ચર્ચાઓ અને જાહેરાતો કરવામાં આવી હોવા છતાં, આજે પણ જનતા ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે.

સ્થાનિક નાગરિકો સહિત વિવિધ મંડળો દ્વારા મુખ્ય માંગ એ છે કે પોર અને બામણગામ બ્રિજનું વિસ્તરણ તાત્કાલિક હાથ ધરવું જોઈએ, સાથે સાથે નેશનલ હાઈવેના ખાડાઓને કાયમી રીતે પુરવા તથા સર્વિસ રોડને મજબૂત કરવા માટે કામ શરૂ કરવું જોઈએ.
જો તંત્ર આ અંગે ગંભીર નહીં બને તો વડોદરા અને આસપાસના લોકોના દૈનિક જીવનને કોઈ પણ સમયે પરેશાની ઊભી કરશે, એવો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top