વડોદરા તારીખ 9
વડોદરા જિલ્લાના કરજણ ટાઉનમાં પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં સ્થળ ઉપરથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર શખ્સની નાના મોટા 136 ગેસના બોટલ સહિત ₹3.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે.
વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર ગેસ રિફિલિંગ કૌભાંડ આચરવામાં આવતું હોય છે. જેના પર પોલીસ સતત વોચ રાખીને આ ગેસ રિફિલિંગ કાંડનો પર્દાફાશ કરતી હોય છે. વડોદરા ગ્રામ્ય એસ.પી સુશિલ અગ્રવાલ દ્વારા અમલમાં લાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત આગામી દીવાળીના તહેવાર અનુસંધાને ઘરગથ્થુ તેમજ કોમર્શીયલ ગેસના કાળા બજાર થતા અટકાવવાની સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે.ભરવાડ સહિતનો સર્વેલન્સનો સ્ટાફ કરજણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન સ્ટાફના આરીફભાઇ અમીરભાઈને બાતમી મળી હતી કે ગ્રીનપાર્ક સોસાયટીમાં પોતાના રહેણાંક મકાનમાં રસીદ મુસા પટેલ નામનો શખ્સ ગેરકાયદે મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રીફીલીંગ કરે છે. જેના આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી
એક શખ્સ ગેસની મોટી બોટલમાથી નાની ગેસ બોટલોમાં બિન અધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતો મળી આવ્યો હતો. પોલીસે રસીદ મુસા પટેલ (રહે.જલારામનગર ગ્રીનપાર્ક સોસાયટી તા કરજણ જી વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ કંપનીના નાના મોટા ગેસના ખાલી તથા ભરેલા બોટલો નંગ 136 કિંમત રૂ.3.02 લાખ, ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો મળી રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.