Vadodara

વડોદરા : ઓસ્ટ્રેલિયાના પીઆર અને વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગાઈ

એક્સીસ બેંકના રિક્રુટમેન્ટ મેનેજર સહિત બે યુવકો પાસેથી ઠગ એજન્ટોએ રૂપિયા 4.14 લાખ પડાવ્યા

યુવકોએ ચાર મહિના બાદ ગેંડા સર્કલ પાસે આવેલી એજન્ટની ઓફિસે જઈ તપાસ કરતા એજન્ટો તાળુ મારી ફરાર થઈ ગયા


વડોદરા તારીખ.10
ગેંડા સર્કલ પાસે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવતા એજન્ટોએ એક્સીસ બેંકના રિક્રુટમેન્ટ મેનેજર તથા સોમા તળાવ વિસ્તારમાં રહેતા બે યુવકોને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ તથા પીઆર વિઝા બનાવી આપવાનુ કહીને તેમની પાસેથી રૂ.4.14 લાખ પડાવી લીધા હતા. ચાર મહિના થઈ ગયા છતાં વિઝા બનાવી આપ્યા ન હોય યુવકોએ ઓફિસે જઈને તપાસ કરતા એજન્ટો તાળું મારી ફરાર થઈ ગયા હોવાનુ માલુમ પડ્યુ હતુ. ઠગ એજન્ટો વિરુદ્ધ યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સાંઇનાથ રેસીડેન્સીમાં રહેતા આશિષકુમાર ચંદ્રકાંત સોલંકી (ઉં.વ.40) એક્સીસ બેંકમાં રિક્રુટમેન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. મેનેજર યુવકને ઓસ્ટ્રેલીયા ખાતે પીઆર વીઝા સાથે વર્ક પરમીટ વિઝા પર જવાનુ હોય ડિસેમ્બ૨ 2020માં ગેંડા સર્કલ પાસે આવેલી એ.વી.ઇમીગ્રેશન (એપેક્ષ) વિઝાની ઓફીસ ખાતે જઈ તપાસ કરતા બીનલ શાહ નામના વ્યક્તિ મળ્યા હતા અને તેઓએ ઓસ્ટ્રેલીયાના પીઆર વિઝા તથા વર્ક પરમીટ અંગેની તમામ માહિતીઆપી હતું અને તેઓની આ કંપનીના માલીક તથા સંચાલક જયપ્રકાશ જીવરાજ મહેતા, તનુશ્રી વિશ્વાસ, સંજીવ રાયકુમાર તથા મનિનંદસિંગ અરોરા સાથે મુલાકાત કરાવી હતી.

સંચાલકોએ પીઆર વિઝા તથા વર્ક પરમીટની વાત કરતા તેઓએ ઓસ્ટ્રેલીયાના પીઆર વિઝા તથા વર્ક પરમીટના રૂ.5.50 લાખ ખર્ચ થશે તેમ જણાવ્યુ હતુ. જેથી યુવકને તેઓ પર વિશ્વાસ આવી જતા ઓસ્ટ્રેલીયાના વિઝાનુ કામ કરવા જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા અને રૂપિયા 1.73 લાખ પીઆર માટે તથા વર્ક પરમીટ માટેના નાણા રૂ.60 હજાર એપેક્ષ વિઝાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. એજન્ટોએ ઓસ્ટ્રેલીયાના પીઆર વિઝા તથા વર્ક પરમીટનુ કામ ચાર માસમાં થઈ જશે તેમ જણાવ્યુ હતુ.

યુવકે ચાર માસ જેટલો સમય રાહ બાદ પણ ઓસ્ટ્રેલીયાના પીઆર તથા વર્ક પરમીટ વિઝાનું કામ કરી આપ્યુ ન હતુ. જેથી તેઓ પાસે વિઝા પ્રોસેસ માટે આપેલા નાણાની પરત માંગણી કરતા 45 દિવસમાં નાણા પરત કરી આપશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ તેઓએ આજ દિન સુધી નાણા પરત આપ્યા નથી. જેથી યુવકે ગેડા સર્કલ ખાતે આવેલી એજન્ટની ઓફીસે જઈ તપાસ કરતા તેઓની ઓફીસ બંધ કરી સંચાલકો ફરાર થઇ ગયા હતા. આમ આ એ.વી.ઈમીગ્રેશન (એવેલ) વિઝાના સંચાલકોએ તથા તેમના એમ્પ્લોઈઝે ઓસ્ટ્રેલીયા ખાતે પી.આર તથા વર્ક પરમીટ ચાર માસમાં કરી આપવાનુ જણાવી ટુકડે ટુકડે રૂ.2.33 લાખ તથા સોમા તળાવ ખાતે રહેતા કેતન સોલંકીને પણ ઓસ્ટ્રેલિયાના પી આર વિઝા બનાવી આપવાનું કહીને તેમની પાસેથી રૂપિયા 1.80 લાખ ખંખેરી લીધા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ગોરવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવતા પોલીસે વિઝા કન્સલ્ટન્સી ઓફિસના સંચાલકોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top