Vadodara

વડોદરા : ઓલ્ડ પાદરા રોડ પર રીઢા આરોપી અબ્દુલ પટેલ સહિત બે શખ્સ 15 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાયા

સુરતથી ગાંજો લાવનાર કેરિયર અને તેની માતા વોન્ટેડ,

વડોદરા તારીખ 28
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર મોપેડની ડેકીમાં હાઇબ્રીડ ગાંજો મૂકીને વેચાણ કરતા રીઢા આરોપી અબ્દુલ પટેલ સહિત બે જણાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. રૂપિયા 15 લાખના હાઇબ્રીડ ગાંજા સહિત મોપેડ અને મોબાઈલ મળી રૂપિયા 15.45 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી આદીબ પટેલ તથા ઝરીના પટેલને વોન્ટેડ જાહેર કરી તાંદલજા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસિલ સ્કૂલની પાસે શકેલા પાર્ક સોસાયટીમાં રહેતા કેરિયર આદીબ અબ્દુલ પટેલ સુરતના સપ્લાયર પાસેથી હાઈબ્રિડ ગાંજો લાવીને તેની માતા જરીના પટેલને આપતા તેણીએ આ ગાંજો તેના ઘરમાં સંતાડી રાખ્યો છે. ઉપરાંત આ હાઇબ્રીડ ગાંજાના જથ્થામાંથી આદીબના પિતા અબ્દુલ પટેલ અને ધ્રુવ ચૌધરી જુના પાદર રોડ પર હાઇબ્રીડ ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમી એસઓજી પોલીસને 27 મે ના રોજ મળી હતી. જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. સ્થળ પરથી રીઢો આરોપી અબ્દુલ પટેલ અને ધ્રુવ ચૌધરી ઝડપાઈ ગયા હતા. તેમની પાસે તથા મોપેડની ડેકીમાં તપાસ કરતા 500 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કિંમત રૂ. 15 લાખ મળી આવ્યો હતો. જ્યારે આબીદ પટેલ તથા તેની માતા ઝરીના પટેલ નહીં પકડાતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો એક મોબાઈલ અને મોપેડ મળી રૂપિયા 15.45 લાખનો મુદ્દામાલ કબજે કરીને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

Most Popular

To Top