Vadodara

વડોદરા : ઓપીરોડ પર આવેલા સેલ્સ કોર્નર શોરૂમના માલિક સાથે રૂ.34.75 લાખની ઠગાઇ

વડોદરા તારીખ 7
વડોદરાના વાસણા જકાતનાકા પાસે રહેતા અને ઓ પી રોડ પર સેલ્સ કોર્નર નામનો શોરૂમ ધરાવતા માલિકને ઠગોએ આરટીઓ ઇ-ચલણ લખેલી એક ફાઇલ મોકલી હતી. જેથી વેપારી ઇ-ચલણની માહિતી સમજી એપ મોબાઇલમા ઇન્સ્ટોલ કરી હતી ત્યારે તેમના બેન્ક ખાતામાંથી રૂ.39.65 લાખ કપાઇ ગયા હતા. ત્યારબાદ તેમના એકાઉન્ટમાં માત્ર રૂ.4.90 લાખ પરત જમા થયા હતા. જ્યારે બાકીના રૂ. 34.75 લાખ પરત નહી મળતા વેપારીએ તેમની સાથે ઠગાઇ થઇ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વાસણા જકાતનાકા પાસે જલિયાણ બંગ્લોઝમાં રહેતા દિપકભાઈ જયંતિલાલ ઠક્કર (ઉ.વ.61) ઓપી રોડ પર મનીષા ચોકડી પાસે રાધા દયા કોમ્પ્લેક્સમાં સેલ્સ કોર્નર બરોડા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓના વેચાણ માટેનો શોરૂમ ધરાવે છે. 9 જુલાઈના રોજ વેપારી વડોદરા હતા ત્યારે તેમના મોબાઈલમાં ફાઇલ આવી હતી જે ફાઇલ પર આરટીઓ ઈ-ચલણ જેવુ લખાણ લખેલું હતુ. જેથી વેપારીને ઇ-ચલણની માહિતી હોવાનું વિચારીને તેઓએ એપ્લીકેશન તેમના મોબાઇલમા ઇન્સ્ટોલ કરી હતી. દરમિયાન 10 જુલાઈના રોજ વેપારીના ત્રણ બેંક ખાતામાથી ટુકડે ટુકડે રૂ.39.65 લાખ ડેબિટ થઇ ગયા હતા. રૂપિયા કપાયા હોવાના મેસેજ આવતા તેમને જાણ થઇ હતી.થોડા દિવસો બાદ તેમના ખાતામાં માત્ર રૂ.4.90 લાખ તેમની કંપનીના આ જ બેંક ખાતામાં પરત જમા થયા હતા. પરંતુ બાકીના રૂ.34.75 લાખ અત્યાર સુધીમાં રૂપિયા પરત આવ્યાં ન હતા. જેથી વેપારીએ આરટીઓ ઇ-ચલણ નામની ફાઈલ મોકલનાર, બનાવનાર તથા તેનો ઉપયોગ કરનાર ઉપરાંત બેન્ક ખાતામાંથી નાણા જે બેંક ખાતામા ક્રેડિટ થયા હોય કે અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર થયા હોય તમામ આરોપી વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ભેજાબાજોના લોકેશન મેળવીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top