વડોદરા તા. 27
હરણી વિસ્તારમાં રહેતા વૃદ્ધને ઠગોએ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને બાટલીમાં ઉતારી રૂપિયા 23.35 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. જેમાં કંપનીની પ્રોફાઇલમાં કમિશન સાથે રૂપિયા 84 લાખ બેલેન્સ બતાવીને માત્ર રૂ. 3 હજાર પરત કર્યા હતા. પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં રૂપિયા 23.32 લાખ પરત નહીં કરતા વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સન એન્ટેલિયા સોસાયટીમાં અજયકુમાર હરિપ્રસાદ ભટ્ટ (ઉં.વ.61) નિવૃત્ત જીવન ગુજારે છે.ગત મે મહિના દરમીયાન વૃધ્ધે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇન્ડિયન ફાઈનાન્સ મિનિસ્ટર ફોટો સાથેનો ક્વોન્ટમ ઈન્વેસ્ટમેન્ટ અંગેની એક્સવેન્ટર કંપનીની જાહેરાત જોઈ હતી. જેમાં દર મહિને થોડું ઇન્વેસ્ટ કરીને સારું રિટર્ન મેળવી શકે છે તેવું લખાણ લખેલું હતું. તેમના એક વિડીયોમાં જો તમે સ્ટોક માર્કેટને વધુ સારી રીતે શીખવા માંગતા હો તો ઇન્વેસ્ટમેન્ટ માટેની લીંક ઓપન કરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધે આ લિંક ઓપન કરતા રજીસ્ટ્રેશનનું પેજ ખુલ્યું હતું અને ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરીને એકાઉન્ટ જનરેટ કરાવ્યુ હતું. ત્યારબાદ તેમના ઈમેઈલ આઈડી અને પાસવર્ડથી એકાઉન્ટ લૉગઇન કરતાં પ્રોફાઈલ ખુલી હતી અને અજાણ્યાં નંબરથી કોલ આવ્યો હતો. જેમાં તેણે એક્સવેન્ટર કંપનીમાંથી માનવીક શાહના નામે વાત કરી હતી કે તેમની કંપની ઇન્ટરનેશનલ સ્ટોકમાં ઈન્વેસ્ટ કરી ઈડિયન માર્કેટ કરતાં સારું રિટર્ન આપે છે.
શરૂઆતમાં કેવી રીતે ફોરેન માર્કેટમાં ટ્રેડિંગ કરવું તેના નોલેજ માટે તેમજ એક્સવેન્ટર કંપની પર ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરવાના ચાર્જ પેઠે રૂ.20 હજાર ભરવાના કહેતા વૃદ્ધે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ અમુક ટ્રેડિંગ કરાવડાવી તેઓએ પ્લેટફોર્મ પર પ્રોફિટ પણ બતાવ્યો હતો અને રૂ.3 હજાર તેમના બેન્ક ખાતામાં પ્રોફિટ તરીકે જમા કરાવતા વૃદ્ધને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ વિદેશના માર્કેટમાં ટ્રેડિંગ કરાવાના બહાને વૃદ્ધને અલગ-અલગ બેન્કના એકાઉન્ટ નંબર મોકલી તેમની પાસેથી ઇન્ડિયન કરન્સીમાં ટુકડે ટુકડે રૂપિયા આ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.
ટ્રેડિંગ દરમિયાન ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તમારા દ્વારા રોકાયેલા રૂપીયાની 50 ટકા જેટલી રકમ લોસમાં ગઈ છે. અને જો તાત્કાલિક ટોટલ ઇન્વેસ્ટમેન્ટ રકમના 40 ટકા જેટલી રકમ નહીં ભરવામાં આવે તો તમે ઇન્વેસ્ટ કરેલા પેસા ઝીરો થઈ જશે એમ કહી પૈસા ગુમાવી દેવાનો ભય બતાવી રૂ.17 લાખ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ અલગ-અલગ ટ્રેડિંગના બહાને રૂપિયા 23.35 લાખ ભરાવડાવ્યા હતા. જે પ્રોફિટ સાથે કંપનીના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે આશરે રૂ. 84 લાખ જેટલી રકમ બતાવી હતી. જેમાંથી શરૂઆતમાં માત્ર 3 હજાર રૂપિયા પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂ. 23.32 લાખ આજદિન સુધી પરત નહીં કરીને નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેથી તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.