પ્રતિનિધિ વડોદરા તા.21
કંપનીની ઓનલાઇન આઇડી બનાવીને એકના ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપીને રૂપિયા 12 લાખથી વધુ પડાવી આ રકમ આજદીન સુધી પરત નહી આપીને ઠગાઇ આચરવામાં આવી હતી. ત્યારે આ ઠગાઇના ગુનામાં પાંચ મહિનાથી નાસતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે આંકલાવ ખાતેથી ઝડપી પડાયા હતા. બંને આરોપીને વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
વડોદરા શહેરના વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધાર તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં સંડોવાયેલા મનુ છગન સોલંકી (રહે. પામોલ ગામ બોરસદ) તથા માનવેન્દ્રસિંહ દિલિપસિંહ ગોહિલ(રહે. બોરસદ) છેલ્લા પાંચ મહિનાથી પોલીસ ધરપકડથી બચવા માટે નાસતા ફરે છે અને હાલમાં બંને આરોપીઓ આણંદ જિલ્લાના આંકલાવ પાસે હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક આંકલવા ખાતે પહોંચીને બંનેને ઝડપી પાડ્યા હતા. વડોદરા લાવ્યા બાદ બંને આરોપીઓને આગલની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓએ વર્ષ 2022થી 2024 દરમિયાન મહારાષ્ટ્ર પૂણા ખાતેના માર્ક વર્લ્ડ કંપનીની ઓનલાઇન કંપની આઇડી બનાવી અગિયાર મહિનામાં એક ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપીને રૂ.14.44 લાખ પડાવી લીધા હતા અને તેમાંથી માત્ર 2 લાખ પરત કરી બાકીના રૂ. 12.44 લાખ પરત નહી કરીને ઠગાઇ આચરી હતી.
