Vadodara

વડોદરા: ઐતિહાસિક માંડવીના પાયાના પોપડા ખર્યા



હેરિટેજ ઈમારતોની જાળવણીના અભાવે ચાર દરવાજા સિનિયર સિટીજનોમાં રોષ

પુરાતત્વ વિભાગ પણ ભરનિંદ્રામાં જોવા મળ્યું


કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શેંઘાઈ બનાવવા પાલિકા તંત્ર જાણે મૂંગેરીલાલના સપના જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિકાસના નામે શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ વડોદરા જેના થકી ઓળખાય છે એવી ઐતિહાસિક હેરિટેજ ઇમારતોને જાળવણીના અભાવે આવી ઇમારતોની હાલ જર્જરિત હાલત થવા માંડી છે.

વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી માંડવીની ઈમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે. આ પીલરોમાં તિરાડો પડી છે. તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન દોર્યું નથી. જેના પાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ ચૂકી છે.

ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝનોમાં રોષ છે, પણ હાલના શાસકોમાં પાણી નથી અને શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. જે દુઃખની બાબત ગણાવી છે. વધુમાં તેઓનું કહેવું છે કે, શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી રહ્યા છે. એક તરફ ચાર વર્ષ ની સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સીટી મ્યુઝીયમ બનાવવાનુ કામ અગમ્ય કારણસર ખોરંભે પડતા તે વધુ ખંડેર થઈ રહ્યુ છે. પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાનું નિવેદન મુંગેરીલાલ કે હસીન સપને પુરવાર થયુ છે. ચાંપાનેર દરવાજા પાસે બે ખંડેર પોલીસ વાન યથાવત છે,તો આ શાસન સર્જીત દબાણ સહિત એમજી રોડ થઈ લહેરીપુરા દરવાજાની અંદર ભયંકર દબાણોનો રાફડો બે વર્ષમાં ચાર ગણો વધી ગયો છે. આથી વિઠ્ઠલ મંદિર સહ અનેક પોળોના મંદિરના ભક્તો સિનીયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. વોર્ડના કોર્પોરેટર, ધારાસભ્ય કહે એટલુ પાણી પીએ છે. ધારાસભ્ય કદી અહીં ચાલતા આવતા નથી. બધુ ખબર હોવા છતાંય નિરસ છે કે પ્રમુખ પદની સોગઠાબાજીમાં વ્યસ્ત છે. પટોડીયાપોળમાં ગંદા પાણીની બુમ સામે બહેરા કાન છે. અનેક લોકો વિસ્તાર ખાલી કરી બહાર રહેવા જઈ રહ્યા છે. નરસિંહજીની પોળ વાસણ બજાર થઈ જતા ટેમ્પોની અવર જવરથી રહેવાસીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે ધર્ષણની ધટનાઓ વધી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ભીડ ભીડવાળા દબાણો વચ્ચે દર્દીને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની અવરજવર અધરી થતા જાનનું જોખમ વધ્યુ છે. એકંદંરે પ્રજા પણ હતાશાથી નિષ્ક્રિય થતા નેતાઓને ભળતા વિકાસના નામે મનમાની કરવા મોકળું મેદાન મળ્યુ છે. હજુય સત્તા પક્ષના પથરા રામ નામે માંડવી નીચે તરવા મથી રહ્યા છે. સફેદ બેનર નીચે માંડવીના પહેલામાળ વચ્ચે કાળાશ લોકો જોતા તાળીઓ પાડી રહ્યા છે. આટલું બધું નજર સમક્ષ હોવા છતાં પણ હાલના શાસકો તેમની જવાબદારી ભૂલ્યા છે. પ્રજાના મત લઈ ચૂંટી આવેલા શાસકો ભર નિંદ્રામાં હોય તેમ લાગી આવે છે. આજે વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે.

Most Popular

To Top