ભક્તોને તીર્થયાત્રા માટે સીધી સુવિધા, ટ્રેન પરની નિર્ભરતા ઘટશે
બે બસ ઉજ્જૈન અને એક શિરડી માટે શરૂ, મુસાફરી બનશે સરળ અને સુવિધાજનક
(પ્રતિનિધિ) વડોદરા, તા. 20:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે વડોદરા એસટી ડેપો પરથી ઉજ્જૈન અને શિરડી માટે નવી બસ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા શરૂ થતા શહેરના ધર્મપ્રેમી નાગરિકો માટે તીર્થયાત્રા વધુ સરળ અને સુગમ બનશે.
અત્યાર સુધી દૂર આવેલા તીર્થસ્થાનો સુધી પહોંચવા માટે મુસાફરોને મુખ્યત્વે રેલવે પર નિર્ભર રહેવું પડતું હતું. ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન થવાની સમસ્યા અને સ્ટેશન બદલવાની મુશ્કેલીને કારણે યાત્રિકોને અસુવિધા અનુભવાતી હતી. હવે નવી બસ સેવા શરૂ થતા મુસાફરોને સીધી અને સરળ મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
વડોદરા એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ નવી બસ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર જાગૃતિ રબારી સહિત એસટી નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા. શરૂ કરાયેલી સેવાઓમાં બે બસો વડોદરાથી ઉજ્જૈન માટે અને એક બસ વડોદરાથી શિરડી માટે દોડશે.
નિયમિત અંતરાલે ઉપલબ્ધ આ બસ સેવાઓના કારણે યાત્રિકો હવે સુનિયોજિત રીતે પોતાની તીર્થયાત્રા કરી શકશે. આ સેવા માત્ર પરિવહન સુવિધા નહીં પરંતુ વડોદરાની જનતાની શ્રદ્ધા અને ભક્તિને જોડતો મહત્વપૂર્ણ સેતુ સાબિત થશે.
આ નવી પહેલથી ધાર્મિક પર્યટનને પણ વેગ મળશે અને રાજ્ય પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.