કલ્લેમેટા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી આરોપી ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો હતો
હાઇવે પરથી ઝડપાયેલા 27 લાખ ગાંજાના કેસમાં મુખ્ય સપ્લાયર સહિત બેની ધરપકડ
પ્રતિનિધિ વડોદરા તા.6
નેશનલ હાઇવે પરથી ઝડપાયેલા રૂ.27 લાખના ગાંજાના ગુનામાં ફરાર મુખ્ય સપ્યાલરને એસઓજી પોલીસની ટીમ છત્તીસગઢના નકસલી વિસ્તારમાં આવેલા જંગલોમાં જઇને ઝડપી પાડ્યો છે. આરોપી જંગલ વિસ્તારમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો દરમિયાન તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની વધુ પુછપરછ કરવા માટે વડોદરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માગણી કરાશે.
હરણી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આવતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગત તા. 22 એપ્રિલ 2025ના રોજ કમ્ફર્ટ ઈન હોટેલ પાસેથ બિનવારસી પડેલા ટ્રકની કેબિનની પાછળ બનાવેલા ખાનામાંથી 45 પેકેટમાં 270.50 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 27 લાખ રૂપિયાની કિંમતનો 270.50 કિલો ગ્રામ ગાંજાનો વિપુલ જથ્થો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 35.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો.
એસઓજીની ટીમ દ્વારા આ એનડીપીએસના ગુનામાં 23 મે 2025ના રોજ બાલોતરા (રાજસ્થાન) ખાતેથી પ્રથમ આરોપી સુરતાનખાન ઉર્ફે નીનીયા અમીનખાનને ઝડપી પડાયો હતો. ત્યારબાદ 29 જાન્યુઆરી 2026ના રોજ ગાંજાના ભરાવનાર આરોપી પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ (રહે. હેમનગર, જોધપુર, રાજસ્થાન)ને રાજસ્થાનમાંથી ધરપકડ કરીને 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આ ગુના જડ સુધી પહોંચવા માટે ઇન્ચાર્જ એસઓજી પીઆઈ સી બી ટંડેલની સુચના હેઠળ પીએસઆઇ આર.એન. સીસોદીયા તથા તેમની ટીમે રિમાન્ડ દરમિયાન આરોપી પુખરાજ બિશ્નોઇને સાથે રાખીને તપાસ આગળ વધારી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મુખ્ય સપ્લાયર રમેશ પ્રેમારામ ડારા (બિશ્નોઇ)નું સ્થાન છત્તીસગઢના ધમતરી તેમજ નક્સલવાદી પ્રભાવિત કલ્લેમેટા ગામના જંગલી વિસ્તારમાં ખેતરોમાં છુપાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી એસઓજીની ટીમે નક્સલી વિસ્તારમાં જઇને જીવના જોખમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પીએસઆઇ આર.એન. સીસોદીયા અને તેમની ટીમ જંગલમાં અડધો કિલોમીટર સુધી ચાલતા ચાલતા ગઈ હતી અને છત્તીસગઢના નક્સલી એરિયામાં આવેલા કલ્લેમેટા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી રમેશ પેમારામ ડારા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો મળી આવ્યો હતો. જ્યાંથી પોલીસે આરોપી ભાગે તે પહેલા જ દબોચી લીધો હતો. વડોદરા લાવ્યાં બાદ તેની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવામાં આવશે.