પંજાબના ડેરાબાબા પોલીસ સ્ટેશનના ખંડણી અને ફાયરીંગના ગુનામાં ભાગતો ફરતો આરોપી ઝડપાયો
આરોપી જર્મન દેશથી કાર્યરત જીવન ફૌજી ગેંગનો સભ્ય હોવાનું જાણવા મળ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
પંજાબ રાજ્યના ડેરાબાબા નાનક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને ફાયરીંગના ગુનાના આરોપીને વડોદરા એલસીબી ટીમ દ્વારા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ રાજ્યના બટાલા જીલ્લાના ડેરાબાબા નાનક પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ફાયરીંગ ના ગુનામાં સંડોવાયેલો તથા જર્મન દેશથી કાર્યરત જીવન ફૌજી ગેંગના ભાગતા ફરતા આરોપી સુનિલ ઉર્ફે લભ્બા બાજ મસીહ (ઉ.વ.25)રહે. શાહપુર ગામ,તાલુકો જાજન, ડેરાબાબા નાનક, જિલ્લા ગુરુદાસપુર, પંજાબ ને એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે મળેલી બાતમીના આધારે શહેરના ગેંડા સર્કલ નજીક સારાભાઇ રોડ પર આવેલા ઇનઓરર્બિટ મોલની અંદર શોપર્સ સ્ટોપ નામની દુકાન આગળથી સિક્યુરિટી યુનિફોર્મ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી જર્મન દેશથી કાર્યરત જીવન ફૌજી ગેંગનો નાસ્તો ફરતો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસ દ્વારા ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો અને પંજાબ થી વડોદરા ખાતે આવીને છૂપાયો હતો અને ઇનઓરર્બિટ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો જે અંગેની માહિતિના આધારે એલસીબીએ ઇનઓરર્બિટ મોલ જઇ અંદર તપાસ હાથ ધરી હતી જ્યાં શોપર્સ સ્ટોપ નામની દુકાન આગળ સિક્યુરિટીના યુનિર્ફોમમા ઉભેલો હોય તેને કોર્ડન કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
