Vadodara

વડોદરા : એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીના એક્ઝિક્યુટિવના ઘરને નિશાન બનાવતા તસ્કરો

એક્ઝિક્યુટિવ પત્ની સાથે બગસરા ખાતે ગયા હતા ત્યારે મકાનમાં તસ્કરો ત્રાટક્યા, કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી રૂ. 1.79 લાખની મતાની ચોરી કરી પલાયન

વડોદરા તારીખ 30
સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીના એક્ઝિક્યુટિવ પત્ની સાથે અમરેલી બગસરા ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 1.79 લાખની માલ. મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પાડોશીએ ફોન કરીને જાણ કરતા દંપતી ઘરે દોડી આવ્યું હતું અને એક્ઝિક્યુટિવે ચોરીની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
વડોદરા શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અભિષેક હર્ષદભાઈ બોસમીયા, કરખડી જંબુસર ખાતે આવેલી એલેમ્બીક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એકઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત 14 જુનના રોજ 8.30 વાગ્યાના સુમારે તેઓ તથા પત્ની સાથે બગસરા અમરેલી ખાતે કાકાના મકાનનું વાસ્તુ હોવાથી ઘરના દરવાજાને લોક મારીને બગસરા ખાતે ગયા હતા અને ત્યા રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. 16 જૂનના સવારના તેમના મકાનની સામે રહેતા મીનુબહેને ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે. જેથી તેઓએ તેમના મકાનમાં અગાઉ ભાડે રહેતા તે પ્રવીણભાઈને ઘરે અંદર જઈને તપાસ કરવા જણાવ્યુ હતું. તેઓએ ઘરમાં જઈ તપાસ કરતા ઘરની અંદરના કબાટ તથા તીજોરીનો સામાન વેરવિખેર હાલતમાં નીચે પડેલો હતો અને ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ તેમની પત્ની સાથે તાત્કાલિક વડોદરા સુભાનપુરાના ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં અંદર જઈ તપાસ કરતા બેડરૂમમાં પડેલા કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા 1.79 લાખ ની માલમતા ગાયબ હતી. જેથી દંપતી મકાન બંધ કરીને બગસરા ખાતે ગયુ હતું તે દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીનાની સાફ સુફી કરીને ફરાર થઈ ગયા હતા. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીના એક્ઝિક્યુટિવે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top