વર્ષ 2025 થી વર્ષ 2028 સુધી ઇન્સેન્ટિવ મળશે જેમાં પ્રથમ વર્ષે 100%, બીજા વર્ષે 90% તથા ત્રીજા વર્ષે 70% લેન્ડિંગ ચાર્જ ઇન્સેન્ટિવ મળશે
( પ્રતિનિધિ) વડોદરા તા. 30
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીના પ્રયાસોથી હવે વડોદરા એરપોર્ટ ને હવે ઇન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઇટ્સ મળશે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ઉડ્ડયન મંત્રાલય દ્વારા વર્ષ 2025 થી વર્ષ 2028 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી લેન્ડિંગ ઇન્સેન્ટિવ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું હતું સાથે જ દેશના ગૃહમંત્રી અમીત શાહ ના પ્રયાસોથી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ સંસદના તમામ સત્ર દરમિયાન રિવ્યૂ બેઠકો યોજી હતી અને વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.છેલ્લા દોઢેક મહિનાથી હવે વડોદરા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ના આવાગમન માટે તૈયાર છે ત્યારે એરલાઇન ઓપરેટર્સને ત્રણ વર્ષ માટે ઇન્ટેન્સિવ મળશે.એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના ચેરમેન અને બોર્ડ મેમ્બરે વડોદરા એરપોર્ટ માટે આંતરરાષ્ટ્રીય કામગીરીને પ્રોત્સાહન આપવા માટે (03 વર્ષ માટે) એક પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી છે.
આ પ્રોત્સાહન યોજના મુજબ, વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય કામગીરી ચલાવતી એરલાઇન્સને પ્રથમ વર્ષ 2025-26 માટે 100% લેન્ડિંગ ચાર્જ (રૂ. 57129/-) અને 10% UDF (રૂ. 10728/-) પ્રોત્સાહન અને બીજા વર્ષ 2026-27 માટે 90% લેન્ડિંગ ચાર્જ (રૂ. 53985/-) પ્રોત્સાહન અને ત્રીજા વર્ષ 2027-28 માટે 70% લેન્ડિંગ ચાર્જ (રૂ. 44087/-) પ્રોત્સાહન આપવામાં આવશે.આ પ્રોત્સાહન યોજના ફક્ત 3 વર્ષ (વર્ષ 2025-26 / વર્ષ 2026-27 / વર્ષ 2027-28) માટે છે. આ યોજના સાથે, આંતરરાષ્ટ્રીય કામગીરી માટેના ચાર્જ સ્થાનિક ફ્લાઇટ્સના ચાર્જ કરતાં સસ્તા થશે. જેથી આંતરરાષ્ટ્રીય કામગીરીને પ્રોત્સાહન મળશે.