એબીવીપીના કેટલાક તત્વોએ યુનિવર્સિટીમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એજીએસયુ દ્વારા પોલીસને જાણ કરતાં મામલો બિચક્યો :
એબીવીપીના કાર્યકરો એજીએસયુના વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.4
વિશ્વ વિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજીએસયુ ગ્રુપ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. એક કાર્યક્રમ અંતર્ગત એબીપીના કાર્યકરોએ યુનિવર્સીટીમાં ફટાકડા ફોડી અને બુલેટમાંથી પણ ધ્વનિ પ્રદુષણ ફેલાવતા એ જી એસ યુ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે મામલે બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને બાખડયા હતા.
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં કેમ્પસ સમરાંગણમાં ફેરવાયું હતું. વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા નવ નિર્માણ આંદોલનની 50 મી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જ્યારે કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી હતી. ત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને યાત્રામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી બુલેટને પણ જોડવામાં આવી હતી. જે અંગે અગાઉની અદાવત રાખીને એજીએસયુ ગ્રુપ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પહેલા તો ફટાકડા અંગે તેમજ સિક્યુરિટી ગાર્ડે પણ વિદ્યાર્થીઓને રોક્યા હતા. પરંતુ એબીવીપીના કાર્યકરોએ કોઈનું માન્યું નહીં અને કોલેજના પ્રાંગણમાં જ બોમ્બ અને ફટાકડા ફોડ્યા હતા. જેથી પોલીસે કાર્યવાહીમાં એજીએસયુની ફરિયાદને આધારે ફટાકડા ફોડવા અંગે અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ મામલે રૂ.500 નો દંડ ફટકાર્યો હતો. જેને પગલે એબીવીપીના કાર્યકરો અને એજીએસયુ જૂથના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરી હતી. જેમાં એજીએસયુ દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.