( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા : માત્ર વીસીની સુરક્ષામાં ઓતપ્રોત રહેતી એમ.એસ.યુનિવર્સિટીની સિક્યુરિટી પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. મધરાત્રીએ આશરે 3 વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઈસમ બાયોકેમ ડિપાર્ટમેન્ટની બિલ્ડીંગ પર ચડી ગયો હતો.જેને નીચે ઉતારવા માટે તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સયાજીગંજ પોલીસ અને ફાયર સ્ટેશનના જવાનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. સતત પ્રયાસો કરવા છતાં પણ આ ઈસમ નીચે નહીં ઉતરતા ફાયર બ્રિગેડના જવાનોએ નાછૂટકે પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી. જ્યારે આ ઉપર ચડેલા ઈસમે ફાયર બ્રિગેડ પર પથ્થરો પણ ફેંક્યા હોવાનું જાણવા મળ્યું છે.
અજાણ્યા ઇસમને નીચે ઉતારવા માટે ભર શિયાળે તંત્રને પરસેવો છૂટી ગયો હતો. અજાણ્યા ઈસમને નીચે ઉતાર્યા બાદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. જ્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે આ વ્યક્તિ કોણ છે.ચોરી કરવાના ઇરાદે આવ્યો હતો, તે મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. ત્યારે પણ સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા હતા ત્યારે ફરી એક વખત એમ.એસ યુનિવર્સિટીમાં અડધી રાત્રે કોઈ અજાણ્યો ઈસમે પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યા બાદ ડિપાર્ટમેન્ટની એક બિલ્ડીંગ પર ચડી ગયો. ત્યાં,સુધી સિક્યુરિટી ઊંઘતી ઝડપાઈ હતી. હાલ આ ઈસમ કોણ છે અને કયા ઈરાદે તેણે આ બિલ્ડિંગમાં ઉપર ચડવાનો પ્રયાસ કર્યો હતો તે મામલે સયાજીગંજ પોલીસે આગળની તપાસ હાથધરી છે.