Vadodara

વડોદરા : એમએસ યુનિ.ના પ્રોફેસરના મોત બાદ ઊંઘમાંથી જાગેલી ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો સામે લાલઆંખ

વડોદરા તા. 19
વડોદરા શહેરમાં ભારદારી વાહનની અડફેટે એમએસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસરનું મોત થયા બાદ ટ્રાફિક પોલીસ જાણે ઊંઘમાંથી જાગી હતી અને બેફામ દોડતા આવા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં આજે 8 જેટલા ભારદારી વાહનો ડિટેન કરી ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યવાહી માત્ર ગણતરીના દિવસો પૂરતી કરીને ટ્રાફિક પોલીસ દ્વારા સંતોષ માણવામાં આવે છે. જેના કારણે ફરી ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ દોડતા થતાં અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. ત્યારે આવા ભારદારી વાહનો વિરુદ્ધ નિયમિત રીતે કાર્યવાહી કરાય તો અકસ્માત થાય નહીં અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો પણ આવે નહીં તેવી ચર્ચા જોર પકડ્યું છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ગઈ કાલે 18 જૂનના રોજ સિમેન્ટ મિક્ચર મશીનના ડમ્પરે એમ એસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસર આયુષી શુક્લના મોપેડને અડફેટે લીધું હતું. જેમા પ્રોફેસર રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે છેલ્લા ઘણા સમયથી કુંભકર્ણની જેમ ઊંઘતું ટ્રાફિક પોલીસનું તંત્ર જાગ્યું હોય તેમ શહેરમાં બિન્દાસ્ત દોડી રહેલા ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવા માટે એક્શનમાં આવ્યું હતું. 19 જૂનના રોજ વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ વિભાગ રોડ પર આવી ગયો હતો અને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરીને બેફામ દોડતા ભારદારી વાહનો ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા 8 જેટલા ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર દ્વારા ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે તેમ છતાં ભારદારી વાહનો બિન્દાસ્ત રીતે શહેરમાં હેરાફેરી કરતા હોય છે પરંતુ ટ્રાફિક પોલીસના અધિકારીઓને જાણે આંખે પાટા બાંધ્યા હોય તેમ દેખાતું નથી કે જાણી જોઈને અનદેખ કરવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારબાદ જો કોઈ અકસ્માતમાં કોઈ નિર્દોષ લોકોનો આ ભારદારી વાહનોના કારણે ભોગ લેવાય તો તાત્કાલિક એક્ટિવ થઈ માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે. ગણતરીના દિવસો માટે આવા વાહન ચાલકો ડિટેન કેરી દેખાડો કર્યા બાદ ફરી ટ્રાફિક પોલીસના અધિકારીઓ ગાયબ થઈ જતા હોય છે. જો ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત રીતે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તો કોઈ આવા વાહનોથી અકસ્માત થાય નહીં અને તેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો નહી પડે.

Most Popular

To Top