( પ્રતિનિધિ ) વડોદરા,તા.15
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પોતાને સર્વેસર્વા માનતા મનસ્વી પૂર્વ વીસીએ રાજીનામુ આપ્યા બાદ પણ ધન્વંતરિ બંગલામાં ચીટકી રહેલા વિજયકુમાર ખૂબ વિવાદમાં રહ્યા હતા આખરે શનિવારે પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલો ખાલી કર્યો હતો અને પોતાનો સામાન ભરી રવાના થયા હતા.


એમએસયુમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ સામે તેઓના મનસ્વીપણાને લઈ અનેક આંગણીઓ ચીંધાઈ હતી. તેઓ લાયકાત વિના વીસી પદ પર બેસ્યા હોવાની યુનિવર્સીટીનાજ પ્રોફેસરે પિટિશન દાખલ કરી હતી. જેમાં પૂર્વ વીસી વિજય કુમારે રાજીનામુ આપી દેવું પડ્યું હતું. તે પહેલાં પણ તેઓના મનસ્વી નિર્ણયો સામે અનેક આંદોલન થયા હતા. જોકે ત્યારબાદ તેઓએ ધન્વંતરી બંગલો પર કબજો જમાવી દીધો હતો અને ખાલી કરતા ન હતા. આખરે અનેક વિરોધ બાદ એમએસયુ શનિવારે યુનિવર્સીટી પર લાગેલા વિજયકુમાર શ્રીવાસ્તવ નામના ગ્રહણથી મુક્ત થઈ હતી. તેઓએ ધન્વંતરી બંગલો ખાલી કર્યો હતો અને પોતાનો સામાન લઈ રવાના થઈ ગયા હતા. વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે ધનવંતરી બંગલો ઓફિશ્યલી રીતે આજે ખાલી કરી દેવામાં આવ્યો છે. એટલે મારું માનવું એવું છે કે આજે એમ.એસ. યુનિવર્સિટી પરથી વિજયકુમાર શ્રીવાસ્તવના નામનું ગ્રહણ ટળ્યું અને ધનવંતરી બંગલો ખરેખર આજે આઝાદ થયો છે. ખરેખર આ પ્રયત્નોની અંદર પ્રોફેસર સતીશ પાઠકની જીત થઈ છે. વિદ્યાર્થી સંગઠનોની પણ જીત થઈ છે. સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આવા પ્રકારનો બનાવ બીજી વખત બંને નહીં, કોઈ ખોટી રીતે લાયકાત ધરાવતો વીસી અહીં આવીને બેસે નહીં અને મનમાની પ્રમાણે યુનિવર્સિટીની પ્રોપર્ટી પર કબજો મેળવીને ઘણા સમય સુધી પોતાની પ્રોપર્ટી સમજીને રહે તેવું ન બને તેવી તમારે કાળજી રાખવી જોઈએ.
